સોમવાર, 17 ઑગસ્ટ, 2015

સુરેશ દલાલ

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મિત્ર છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મિત્ર છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
તું મિત્ર છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
તું મિત્ર છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
તું મિત્ર છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મિત્ર છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મિત્ર છે..
સુરેશ દલાલ

ગુરુવાર, 18 જૂન, 2015

મૌનનાં સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાત સમજનાર કેટલા છે?
કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?
હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
હૃદયના તોફાન સમજનાર કેટલા છે?
પ્રેમ મહોબ્બતની વાતો તો કરે ઘણી,
ખરા પ્રેમનો દામ સમજનાર કેટલા છે?
મુખડુ તો રહે છે સદા હસતુ બધા સામે,
પાછળનુ રુદન જોઈ,સમજનાર કેટલા છે?
નીશીત જોશી

જુઓ

શ્વાસને ગોખાય તો ગોખી જુઓ,
ચોપડે નોંધાય તો નોંધી જુઓ.
રાત આખી જાગવાનું હોય ત્યાં ,
સ્વપ્નને ઓઢાય તો ઓઢી જુઓ.
કેટલી પીડા ભરી છે ભીતરે ,
એ વિશે બોલાય તો બોલી જુઓ.
શબ્દ એનાં અર્થને પામી જશે ,
મૌનને જોખાય તો જોખી જુઓ .
– વારિજ લુહાર

જિંદગી

કેટલી ઓછી ગણી છે આપણે
જિંદગીને ખુદ હણી છે આપણે.
મોતને બસ દુરથી જોયા કર્યું,
જિંદગીને અવગણી છે આપણે.
છે હૃદય, પણ લાગણી એમાં નથી,
જિંદગી, ફોગટ ગણી છે આપણે.
ના ઝરૂખો, ગોખ કે ના ઓસરી,
જિંદગી કેવળ ચણી છે આપણે.
બીજ રોપ્યું, નીર સીંચ્યું કોઈએ,
જિંદગી કેવળ લણી છે આપણે.
સાવ બરછટ પોત કહેવાયું પછી,
જિંદગી કેવી વણી છે આપણે.
– પ્રવીણ શાહ

બુધવાર, 27 મે, 2015

મૌન મુખથી સત્ય સાંભળ કાનમાં,જલસો થશે,
રાખ મીઠો આવકારો આંખમાં, જલસો થશે.

સત્યની રાહે સદાએ ચાલતો રે’જે, કદી-
આવતો નૈ છળકપટની વાતમાં, જલસો થશે.

ખાલી હાથે આગમન તારું,જવાનો ખાલી હાથ,
મોતને પણ તું ભરી લે બાથમાં, જલસો થશે.

શોધવાને બાળપણ ભીતર ભટકવું રે’વા દે,
બાળપણને યાદ કરજે ગામમાં, જલસો થશે.

સાંભળ્યું છે ! મોતી ખારા જળ મહીં જ નીપજે,
આંસુનો દરિયો ધરી લે આંખમાં, જલસો થશે.

જિંદગીના અટપટા રસ્તા ઉકેલી એક’દિ,
પ્હોંચ સીધો તું પ્રભુના ધામમાં, જલસો થશે.

-અશોક વાવડીયા “રોચક”

મંગળવાર, 24 માર્ચ, 2015

રાજેશ જોશી ‘આરઝુ’

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
અમૃત ‘ ઘાયલ’
એમ તો ન કરી શક્યા અમને નગરમધ્યે,
બદનામ કરવા એ દરેક ઘર સુધી ગયા.
એમ તો નિરખી ન શક્યા ખુદાને ખુદ મહીં.
લોક સઘળા પથ્થરના ચણતર સુધી ગયા.
પાત્રતા તો ન હતી ખાબોચિયાં જેટલીયે,
‘ને વિશાળતાને પામવા સમંદર સુધી ગયા.
અમે કંઈ એમ પાછા આવવાના પણ ન હતા,
તો ય અવિશ્વાસુ પંખી છેક ચાદર સુધી ગયા.
જીવતા કોઈ જાણી ન શક્યું ‘આરઝુ’ અમને,
મૃત્યુ બાદ સૌ ફુલો લઈ કબર સુધી ગયા.
રાજેશ જોશી ‘આરઝુ’
...................................................................................

મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.
વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.
બોમ્બ થૈ ‘ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?
નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.
કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.
રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.
રાજેશ જોશી ‘આરઝુ’
.................................................................................... 


જિંદગી રણની મળી, ભીનાશ થઈ ઉભા રહો.
પ્યાસ મૃગજળની મળી, વિશ્વાસ થઈ ઉભા રહો.
ચારેકોર અંધકાર ‘ને, ઓળા અથડાયા કરે,
જ્યોત દીપની મળી, પ્રકાશ થઈ ઉભા રહો.
કસ્તુરી પડી ભીંતર મહી ‘ને શોધું ચોપાસ,
વ્યથા હરણની મળી, આશ થઈ ઉભા રહો.
કરમાઈને પણ સુગંધ આપે એવુ ફુલ બનું,
હસ્તી ક્ષણની મળી, સુવાસ થઈ ઉભા રહો.
અંતરને કદી સીમાડા હોતાં નથી ‘આરઝુ’
ધુળ એના ચરણની મળી, આકાશ થઈ ઉભા રહો.
રાજેશ જોશી ‘આરઝુ’
.........................................................................................

અમારા પાગલ દિલને એક જ ધરપત અમારી છે.
અમે જાતે જ નોતરેલી આ કયામત અમારી છે.
 ચાંદને શું ખબર કોઈ ચાતકે સમાવ્યો સિનામાં તેને,
લગભગ એ ચાતક જેવી જ હાલત અમારી છે.
 એમના દિલને કોઇ ખૂણે, અમે હશુ કે નહી, ખબર  નથી,
માત્ર એમની જ કરેલી, માત્ર ઇબાદત અમારી છે.
 દોષ નથી કશો પણ એમાં, એમના દિલનો,
અમારા દિલને તોડનારી તો આ કરવત અમારી છે.
 ‘આરઝુ’  અમને એક જ મળે કબરને  એમના બે આંસુ,
પછી તો બસ, એ અશ્રુવનમાં જ જન્નત અમારી છે.
રાજેશ જોશી ‘આરઝુ’
................................................................................................
દુનિયામાં થી પ્રેમને કોઈ ભાગાડી દેજો.
નહિંતર આંસુમાં ચહેરો ડુબાડી દેજો.
ફનાગીરીની તૈયારી હોય તો જ પગ મુકજો,
નહિંતર અત્યારે જ મેદાન છોડી દેજો,
‘તુ’ ‘ને ‘હું’ના ભેદભાવ ત્યાં હોતા નથી,
સ્નેહનાં તાંતણે સમગ્રને જોડી દેજો.
એકમાં સમગ્ર ‘ને સમગ્રમાં એક જ બિંબાય,
પછી કાચના નકામા દર્પણને ફોડી દેજો.
સમર્પણનુ જ બીજુ નામ પ્રેમ છે ‘આરઝુ’
સ્વાર્થને સદાય ખીંટીએ ખોડી દેજો.
રાજેશ જોશી “આરઝુ”
.......................................................................................
જિંદગીભર તમને જ યાદ કરશું.
મંદિરમા યે તમારો જ નાદ કરશું.
આપશે અગર આંસુ ઇશ્વર આપને,
અમે ઇશ્વર સાથે ય વિવાદ કરશું.
અણુઅણુમાં છલકશે યાદ આપની,
તમારા નામના તડકાથીયે સંવાદ કરશું.
છો ને બરબાદ થૈ જતી જિંદગાની,
તુજ કાજ અમ અસ્તિત્વને બાદ કરશું.
ભલે ખંડર બની જતુ શમણાનુ શહેર,
સ્કંધપર છત તમારી આબાદ કરશું.
રાજેશ જોશી “આરઝુ”



શનિવાર, 21 માર્ચ, 2015

નાઝિરની ગઝલો

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો!
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

......................................................................................

વાર્યા નથી જાતાં


અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં;
કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં.

બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું,
અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં.

તમે તો એ રીતે પણ મોકળું મનને કરીલો,
અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં.

હઠીલા હોય છે એને કાં સમજાવે છે મન મારા!
એ જાયે છે તો હાર્યા જાય છે વાર્યા નથી જાતાં.

તમે કાં વાતે વાતે નીર ટપકાવો છો નયનોથી,
બધા અવસર સમે કંઈ દ્વાર શણગાર્યા નથી જાતાં.

નમન પર નાઝ કરનારને ‘નાઝિર’ આટલું કહી દે,
ઘણાય એવાય સઝદા છે જે સ્વિકાર્યા નથી જાતાં.
...................................................................................... 

નમન દેજે.

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં,મને એવાં નયન દેજે.
હું મુક્તિ કેરો ચાહક છું,મને બંધન નથી ગમતાં;
કમળ બિડાય તે પહેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું,કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદા યા!આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે.
.............................................................................................

કોહિનૂર લાગું છું


કોઈને આગ લાગું છું,કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું,
દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.
હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.
તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.
કસોટી પર તો ‘નાઝિર!’ છું ફકત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.
..................................................................................................

એ વાત મને મંજૂર નથી

 
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.
આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.
તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;
એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી.
...........................................................................................................