આનંદાશ્રમ ભાદોલ ભજનો

સ્મરણ કરવું નહિ કરવું ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
કહીં જન્મી કહીં મરવું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
ભૂમિમાં ખોદવો ફૂવો , સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
નીકળવું ખારું કે મીઠું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
બની લગ્ની  ગ્રહી સુત્રી ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
જન્મવા પુત્ર કે પુત્રી ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
વિચરવું યુધ્ધના પંથે ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
વિજય મળવો કે ના મળવો ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
ચરણમાં જઈ નાવમાં ધરવો ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
પરંતુ પાર ઉતરવું ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
જગતની જાણવી જુક્તિ ,સ્વયં ઈચ્છા ,સ્વયં ઈચ્છા
હો "કૃષ્ણાનંદ "ની મુક્તિ ,હરિ ઈચ્છા ,પ્રભુ ઈચ્છા
.................................2...................................
...................ભારતમાતા ...............
પરમ-પુનિત હો ભાગ્ય વિધાતા,પ્રણામ તુજને ભારતમાતા
સુજલે સુફલેની શાંતિદાતા,પ્રણામ તુજને ભારતમાતા ..પ્રણામ ..
તારે ખોળે રામ રમ્યાને,શ્યામ બંસરી બાજી
બંસી તારી ગીતા ગાને,સારી દુનિયા જાગી (ર )માતા ..
સુરીનર -મુનીવર ગુણ તુજ ગાતા ...પ્રણામ તુજને ભારતમાતા ..પરમ
બુધ્ધ મહાવીરની તું જનની સત્ય પ્રેમના યોગી
તારે ખોળે આવી નમતા યોગી અને વિયોગી (ર )માતા ...
દીન-દુખ્યા જ્યાં પામે શાંતા ...પ્રણામ તુજને ભારતમાતા ..પરમ
વીર વિક્રમને અશોક સરખા,પ્રતાપ શૂર-શિવાજી
તારે ખોળે ગુણયલ ગાંધી,'કૃષ્ણાનંદ'રહ્યો બિરાજી (ર )માતા
સુભાષને સરદારની તું માતા ...પ્રણામ તુજને ભારતમાતા ..પરમ
.......................................3..............................................
 ભજન -2
ગં ગં ગં ગં  ગં ગણપતિ દેવા,તું હે સદા સુખકારી રે
વિઘ્નહરન છો બુધ્ધિ વિધાતા ! સ્તુતિ કરું તારી રે  ..ટેક
પંચદેવના દેરા માંડે ,પ્રથમ પૂજા તમારી રે  ..ગં ગં ગં
જ્ઞાની ધ્યાની યોગી સ્મરે છે,દયા માંગે સહુ તારી રે  ..ગં ગં ગં
અવગુણ મુજમાં, ગુણ નહિ એકે ,માફ કરો ભૂલ હમારી રે  ..ગં ગં ગં
બુદ્ધિ નિર્મળ કરો બહેચરની ,સ્તુતિ કરું કર જોડી રે  ..ગં ગં ગં
................................................................................
ભજન -3 રાગ - હોળી
દિલનો ભરમ મિટાવે ,ગુરુ બિન કોણ જગાવે   - ટેક   ..
અજ્ઞાન,નિદ્રા સહુને વળગી ,જાગી શકે ના કોઈ ,
જો જાગે તો યોગી, વિયોગી ,બીજા ન જાગે કોઈ ,
                    ભજનથી નિંદ્રા ભગાવે ,ગુરુ  - દિલનો   ..
જાગ્રત ,તુંન્દ્રા ,સ્વપ્ન ,સુષુપ્તિ રહેવે છે સબ સોય ,
તુર્યાતીત રહે જેની અવસ્થા જાગેલા નર સોય ,
                    એવા જન ભરમ મિટાવે ,ગુરુ  - દિલનો   ..
દેવ ,મનુષ્યને ગાંધર્વ ,કિન્નર ,નિન્દ્રાના બાણ સહુને વાગ્યા ,
દિલથી વિચારી જુઓ ઓ ભાઈ ! ગુરુ વિના કોઈ ન જાગ્યાં ,
                    જાગ્યાં તે તો અમર કહાવે ,ગુરુ -દિલનો   ..
સદગુરૂ જયારે સાચા મળે ,ત્યારે દિલનો ભરમ જ જાવે ,
શ્વાસો શ્વાસોમાં સોહમ જપે તો સત્ચિદાનંદને પાવે ,
                     બહેચર તો સત્ય દર્શાવે ,ગુરુ  -દિલનો   ..
................................................................................
 ભજન -4      
       !!~!! શરદ પૂનમ !!~!!
આજે આસો અજવારી એ ,શરદની  પૂનમ
અમૃત વરસાવવાવારી એ ,શરદની  પૂનમ

આજે ચંદ્રકળા દીસે ,અદભુત સુંદર
નિરખી પાવે અભયવર ,એ શરદની  પૂનમ

શરદે અમૃત સ્વાતિનાં બુંદ જ વરસે
એને ચાતકો પીશે ,એ શરદની  પૂનમ

જુઓ એક જ બુંદ જુદે-જુદે સ્થળે વરસે
મોતી છીપમાં થાશે ,એ શરદની  પૂનમ

પાકે કેળમાં કપૂર ,ભૂમિ કાદવ થાશે
સર્પમુખમાં ઝેર થાશે ,એ શરદની  પૂનમ

જેવું પાત્ર તેવું બુંદ બદલાઈ જાશે
અન્ન્માં અમીરસ વરસે ,એ શરદની  પૂનમ

શરદ રાધા ને ચંદ્ર એ કૃષ્ણ કનૈયો
નિરખો નંદ દુલારો ,એ શરદની  પૂનમ

નિરખો બંસી બજૈયો ,નટવર નાગર
બહેચર જાય છે ડાકોર ,એ શરદની  પૂનમ

-શ્રી બહેચરરામ શર્મા
..................................................................
ભજન -4
 ~ છે રાહ મસ્તીના જુદા જુદા ~

મસ્તી મસ્તી સૌ કોઈ કહે છે ,રાહ મસ્તીના જુદા જુદા
સૌ મન મસ્તીમાં મસ્ત રહે ,રાહ મસ્તીના જુદા જુદા
મન મસ્તી એ મસ્તી નહિ , એ મસ્તી શા કામની
ખેલાડીઓના આ ખેલ નહિ , છે રાહ મસ્તીના જુદા જુદા
મસ્તી નથી એ જ્ઞાનમાં ,મસ્તી નથી એ ધ્યાનમાં
એ મસ્તી ગુરુસાનમાં ,  એ નામ લે બે ભાનમાં
છે મોતના અંજામમાં , રાહ મસ્તીના જુદા જુદા
આત્મવત સર્વ ભૂતેષુ ,એ મસ્તીનો મંત્ર છે
મીરાં હળાહળ પી ગયા ,એ રાહ મસ્તીના જુદા જુદા
સાચી મસ્તી પ્રભુ નામની,બીજી મસ્તી નહિ કામની
સત ચિત્ત આનંદ ધામની ,એ  છે રાહ મસ્તીના જુદા જુદા
            !!~!!~ જય શ્રી ક્રિષ્ના !!~!!
.........................................................................
ભજન- 5
............ નથી કોઈનો રજીસ્ટર એ................
પ્રભુ છે સ્નેહનો સહાયક , નથી કોઈનો રજીસ્ટર એ
સાચાએ  પ્રેમનો પાલક , નથી કોઈનો રજીસ્ટર એ

ભલે હો જ્ઞાની કે ધ્યાની ,ભલે પંડિત  અગર માની
ભલે હો તપસી સન્યાસી , નથી કોઈનો રજીસ્ટર એ

નથી કોઈ ધર્મવારાનો કે , નથી કોઈ કર્મવાળનો
ભલે સૌ કહેતાં મારામાં ,   નથી કોઈનો રજીસ્ટર એ

ભલે હો નર અગર નારી ,નથી ઉચ નીચની વારી
કહું છું સાચું પોકારી ,         નથી કોઈનો રજીસ્ટર એ

નથી એનો તો કોઈ આકાર , નથી સાકાર કે નિરાકાર
ભલા એ ખોટી છે તકરાર ,નથી કોઈનો રજીસ્ટર એ

કોઈ નૂર જ્યોત બતલાવે , કોઈ મોક્ષ અલખ લખાવે
ભલા    સૌનું   તાણે    ,        નથી કોઈનો રજીસ્ટર એ

નથી કલ્પના વિચારોમાં , નથી જ્ઞાન વાચામાં
વસે  પ્રેમ    સાચામાં       ,   નથી કોઈનો રજીસ્ટર એ

ઋષિના ભોજનો ત્યાગી , પતિત પાવન કરી શબરી
વાત એ શાસ્ત્રમાં વર્ણવી , નથી કોઈનો રજીસ્ટર એ

નથી જપ -તપ તીર્થોમાં , નથી યોગ ધ્યાન યજ્ઞોમાં
વસે છે સાચી ભાવનામાં , નથી કોઈનો રજીસ્ટર એ

સદા જેના દિલ સાચા છે ,ગુરૂગમના સ્મરણ જ્યાં છે
બહેચર જે ભજનમાં મસ્ત છે ,પ્રભુ તેનો રજીસ્ટર છે
                 !!~!! જય શ્રી ક્રિષ્ના !!~!!
....................................................................
ભજન-6
      તજ તજ રે મનવા અભિમાનને તજ
            રટ રટ રે મનવા તું હી તુ હી ॐ રટ
અભિમાન રહે સર્પ છે ઝેરી ,એની નીશા બહુ રહે છે ઘેરી
                   એ ઝેરી સર્પને તજ
ઓચિંતું થાશે જવાનું ,કાયમનું  નથી રહેવાનું
          ભમી રહ્યો શિર કાલ કાળ ધ્વજ
ભલે ત્યાગો ધન અરૂ ધામા ,ભલે ત્યાગો મોહ ને કામા
         તો એ પ્રભુ નથી નિકટ નિકટ
અભિમાન છોડો ને બંદા ,બનાવે સહુને એ તો અન્ધા
          લઈ જાવે જાવે એ નર્ક નિકટ
હું  પણ પણ સહુ જયારે તળશે ,જ્ઞાન જ ત્યારે સાચાં મળશે
                 બાકી ખોટી ખટપટ
અભિમાનને અળગું કરજો ,પછી સુખરૂપ જગમાં વિચરજો
            તું દયા દાનની  કફની સજ
દ્વૈતપણું સહુ દૂર જ કરશો ,જરૂર પ્રભુને પ્રેમે મળશો
                                          -શ્રી બહેચરરામ શર્મા
........................................................................
ભજન - 7
............... પ્રભુ પ્રેમે વશ થાય છે.................
"કહો સાચાં પ્રેમીઓ કેવાં હશે !"
"જેનાં નામ સ્મરણ રટાતાં હશે !"
"જેનાં અહોર્નિશ જાપ જપાતા હશે !"

જુઓ રાધિકા દિવાના બન્યાં ,કૃષ્ણ નિરખવા સાર !
દીપક જ્યોત પ્રગટાવતાં ,સળગી આંગળી તેણીવાર

કૃષ્ણ છબી નિરખી રહી ,નથી બીજા જેને દરકાર
સાચાં પ્રેમની એ ખૂબી ,રાધે કૃષ્ણ રહે સંસાર

      જુઓ ..સાચાં પ્રેમીઓ એવાં હશે
       એવાં જનનાં નામ રટાતાં હશે
      સાચાં પ્રેમીઓનાં જાપ જપાતાં હશે

ભક્ત પ્રહલાદ ઉપર જુઓ ,જુલમ કેવા ગુજર્યા
જીવતાં અગ્નિમાં પધરાવ્યા ,છતાં જેનાં દિલ ના ડર્યા

લોહ તણાં સ્તંભે ભેટતાં ,જેનાં ઉરમાં આનંદ થાય છે
એવાં સાચાં પ્રેમીઓને માલીક તો દેખાય છે

                  ભૂલે દેહનાં ભાન ત્યાં પ્રેમ વશે
મીરાં દીવાનાં તો બન્યાં ,કૃષ્ણ પ્રેમમાં સાર
કૃષ્ણ વિના જેને નજર ના આવે બીજો કંઈ વહેવાર
ઝેરને અમૃત ગણ્યું ,પીધું પ્રેમથી સાર
ફણીધર સર્પને કૃષ્ણ કૃષ્ણ કહી ભેટ્યા, સાચા પ્રેમીએ નિરાધાર
                 એવા પ્રેમીઓ પ્રભુનાં દિલમાં વસે
જગતમાં સહુ જણાવે છે ,પ્રેમ તણો વ્યવહાર
સાચો પ્રેમ એ નથી ,સ્વાર્થી પ્રેમ એ સાર
મોહ તણો એ પ્રેમ છે ,કંઈ લોક કીર્તિનો સાર
સાચા પ્રેમીઓને પ્રભુ વિના, બીજી નહિ દરકાર
                સાચી શ્રધ્ધાને નિશ્ચય ત્યાં પ્રેમ વસે
સર્વશક્તિમાન એ તત્વ છે ,સર્વવ્યાપક પ્રભુને રૂપ છે
સાચી શ્રધ્ધા સાચી ભાવનાથી ,પ્રભુનાં ઘડાતાં સ્વરૂપ છે
જુઓ સુષ્ટિને મનુષ્યો તણી ,ઉત્પત્તિ લયની રચના અટપટી રચી અહા !
પ્રભુ ચ્હાય એ તો કરે , એને કશું કહેવાય ના
                    જેવો પ્રેમ એવા પ્રભુ પ્રગટ થશે
જુઓ જગત આ પ્રભુએ ઘડ્યું પણ પણ પ્રેમ ઘડતો પ્રભુરૂપને
 ॐ  પ્રેમ પરમાત્માંને નમ:એમ શાસ્ત્રો સંતો ગાય છે
સાચા પ્રેમીઓની જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં જુએ પ્રભુરૂપને
ત્રણે લોકમાં છે વિજય પ્રેમનો ,પ્રભુ પ્રેમે વશ થાય છે
                         પ્રભુ પ્રેમે વશ થાય છે
...........................................................................................

               *  ભુજંગી છંદ *

ઓ ! વિશ્વના તાત,પ્રભુ કૃપાળુ,દો સન્મતિ અંતરમાં દયાળુ,
પાપો અમારાં સહુ દૂર થાજો,પ્રગટાવી જ્યોતિ હૃદયે પધારો

  ઉડાણમાં જે રહ્યું જ્ઞાન એ તે,સમજી શકું હું પ્રભુ કેવી રીતે ?
સશક્તિ નથી ત્યાં સુધી પહોંચવાને,ગુરૂજી બનીને સમજાવશો એ ?

છે જ્ઞાન તારું અતિ ગૂઢ એ તો,દેવો ના સમજ્યા સ્તુતિએ કરીને
માયા તણું યંત્ર ફરતું રહ્યું જે,એ કાળનું કાળ મહાકાળ છે એ

તેના સપાટે સહુ કોઈ ઉડ્યા,રાવાણ સરીખા પણ નાશ પામ્યા
તુજ ગુણ ગાવા નથી શક્તિ મારી,અજ્ઞાન જાણી લેજો ઉગારી

પ્રહલાદ,નરસિહ અને જ મીરાં,તુજ ગુણગાતા થયા પ્રેમઘેલા
ત્યાં સહાય કીધી પ્રભુ આવીને રે,તેવી રીતે સહાય થાજો અમોને

અંતર વિષે જ્ઞાન વૈરાગ્ય આપો,ભક્તિ તણી જ્યોત પ્રગટાવી આપો
છે માગણી બહેચરની પ્રભુજી,શરણે જ રાખો જીવન મરણથી

........પૂજ્ય શ્રી બહેચરરામજી ......
.................................................................................
!!~~!! કાયા ગાડી !!~~!!
*~~*~~*~~*~~*~~*~~*
સીધી કાયાની ગાડી ,હાંકે સાચા પ્રેમી ,
ચાલે નિર્ભય એ ગાડી ,હાંકે સાચા પ્રેમી ,
આ કાયા તણી ગાડી બનાવી ,પ્રભુએ જીવને સોપી સાર ,
વિચાર વિના અથડાય છે ,એ ગાડી નિરાધાર
સાચું સમજ્યા વિના ચાલે ન ગાડી
સાચા પ્રેમીઓ તો નકકી કરી લે ,આ ગાડી અંતે કયાં જાય છે ,
ક્યારે ,ક્યાં અટકશે અને ક્યાં જશે ,એમાં કોનાથી બેસાય છે ,
પહેલા સ્ટેશન શોધો ,પછી મળે ગાડી
સ્ટેશન પહેલા શોધજો ,આ કાયા ગાડીનું સાર ,
પણ સંગ અને સંસ્કાર હોય તો ,સુઝે સ્ટેશન સાર ,
જેવી ભાવના એવી એની ચાલે ગાડી
મનુષ્યા જન્મ સ્ટેશન થકી ,સહુ કોઈની ગાડી હંકાય છે ,
છેલ્લા મરણ સ્ટેશને જાતા ,એ ગાડી ગમ વગર ગુંચવાય છે ,
ચાલે એ ગુરૂ ગમથી સીધી એ ગાડી
સંકલ્પ વિકલ્પના સ્લેપાત પાથરો ,પછી ગાડી હંકાય છે ,
સદવિચારના પૈડા હોય તો ,ગાડી નિર્ભય કહેવાય છે ,
ગાર્ડ-સદગુરૂ ચલાવે છે એ ગાડી
કાયાગાડી ચલાવવા અન્નરુપી કોલસા પુરાયે સાર ,
પાણી પવનની વરાર બની ,ચાલે શ્વાસો શ્વાસથી એન્જિન નિરાધાર
મન ડ્રાઈવર ચલાવે છે એ ગાડી
દયા-દાનની બે સાંકરોથી જીવનો ડબ્બો જોડાય છે ,
સહનશીલતા અને ધીરજ થકી ગાર્ડનો ડબ્બો નંગરાઈ છે
વાગે પ્રેમના પીસુડા અને ચાલે ગાડી
પૂર્વના પૂણ્ય હોય જેના ,તેની ગાડી સીધી જાય છે ,
ટિકિટ એની મેળવી ,સાચા પ્રેમીઓ બેસી જાય છે ,
હોય ટિકિટ સાચી તેને મળે ગાડી
મુમુક્ષુ પણાની ઓફિસમાંહી ,જ્ઞાનની ટિકિટ અપાય છે ,
સદગુણ વડે સંત ટિકિટ કલેકટર પાસે ,સાચા પ્રમીઓ ટિકિટ લેવા જાય છે
નહીં ટિકિટ વિના બેસાડે ગાડી
કિંમત નથી સસ્તી જ એની ,મોંઘી ઘણી છે પ્રેમીઓ !
કિંમત વિના ટિકિટ મળશે નહિ ,ભૂલશો નહિ ઓ પ્રેમીઓ
મોંઘા મૂલ્યની ટિકિટની એ છે ગાડી
જોઈએ શ્રધ્ધારૂપી રૂપિયા , નિશ્ચયરૂપી આના સાર ,
સદબુદ્ધિરૂપી પાઈ આપે પ્રભુ ,તે ટિકિટ ખરીદે સાર ,
પછી નિર્ભય થઇ બેસો એ ગાડી
સાથે કર્મરૂપી પોટલા ,જોઈ વિચારી બાંધજો સાર
નહિ તો લગેજવારા લગેજ લેશે ,રસ્તે રોકશે નિરાધાર ,
બુરાં કર્મના પોટલા અટકાવે છે ગાડી
સદવિચારના બાંધજો બિસ્તરાં ,પ્રભુ સ્મરણનું ભાથું સાર ,
પછી નિર્ભય થઇ બેસજો ,ના કરશો કોઈની દરકાર ,
વાગે શબ્દના ઘંટ અને ચાલે ગાડી
સંત પોલીસ પોકાર કરે ,ગાડીમાં જીવ જાગતાં રહેજો ,
કામ,ક્રોધ ,મદ ,મોહ લોભ ,એ ઠગોથી સાવધ રહેજો ,
નહિ તો ભૂલમાં ભુલવશે સાચી ગાડી
પછી શુભ વાસના વરારો કાઢતી ,એ ગાડી ચાલી જાય ,
નેકરુપી વાવટા જ્યાં ફરકતા ,એ ગાડી નિર્ભય કહેવાય ,
જુવો કેવી ગતિથી પછી ચાલે ગાડી
ગાડી સીધી ચાલતાં વચમાં ,આવે અજ્ઞાનરૂપ અંધકાર ,
સદગુરૂ ગાર્ડને ખબર કરજો ,સત્ય જયોત પ્રગટશે સાર ,
સત્ય ઉજાશ વિના ચાલે નાં ગાડી
સત્યની જ્યોતિ પ્રગટતા ઉજાશ બહું થાય છે ,
નિર્ભયપણે જીવ કરી મુસાફરી ,ગાડી અંતે શ્રી સચ્ચિદાનંદ ધામમાં જાય છે
બહેચર તો બતાવે જુવો એવી ગાડી
**શ્રી સદગુરુ બહેચરરામ શર્મા .આનંદાશ્રમ ભાદોલ .
.........................................................................

 ................કૃષ્ણાનંદજીના  ભજનો  ..............
ભજન -1 રાગ -યમન કલ્યાણ
           વંદુ કૃષ્ણચરણ રાજ સેવા
           અજર અમર વર   ..દે   ..વંદુ   ..
બુધ્ધિનો તું બાજીગર છે ,જીવનનો તું જાદુગર છે   .
મનહરનારો મુરલીધર તું ,સુખકર શરણે લે  ..વંદુ   ..
વિશ્વ વિધાયક તું વરદાતા ,સત્ય સનાતન તું સુખદાતા
પ્રાણ સખા તું પિતા -માતા ,અમને ચરણે   ..લે   ..વંદુ
સત્ય સદા સાત ચિત્ત આનંદી ,ગુરુ હરિ ॐ તવ ચરણે વંદી
"કૃષ્ણાનંદી " ભવગ્રંથીને ,ત્રિકમ તોડી  દે   ..વંદુ   ..
............................................................................
ભજન -2 રાગ -સારંગ
હર હર શંકર ,દેવ દિગંબર ,જય જય ભોલેનાથ ,રે તેરે દ્વાર ખડા
ભોલે ભાલે ,જગ રખવાલે ,શરણાગતકે સ્વામી ,
આવો બચ્ચાઓ,નાવ તરાઓ ,હર હર અંતરયામી
                 વંદન વારંવાર   ..રે તેરે દ્વાર ખડા   ..હર હર
જય ત્રિપુરારિ યોગવિહારી ,નંદી વાહનધારી
"કૃષ્ણાનંદી "ભવકી ફંદી ,નાથ મિટાઓ ભારી ,
જય જય જગદાધાર   ..રે તેરે દ્વાર ખડા   ..હર હર   ..
...............................................................................

ભજન -3 રાગ -નટકેદાર
તમે રાખો લાજ હમારી ,ગોવરધન ગિરધારી ,ઓ ઘનશામળા
યમુના તટ પર બંસી બજાઈ ,ધેનુ ચરાઈ, ગોપી નચાઈ
નયનો સે નૈન મીલાલે ,નયનો સે નૈન મીલાલે   ..ઓ ઘનશામળા
મોર મુકૂટ શિર છત્ર બિરાજે ,ગલે ફૂલનકી માલા છાજે ,
ભવસાગરસે તરા લે ,ભવસાગરસે તરા લે ,  ..ઓ ઘનશામળા
"કૃષ્ણાનંદ"તણા પ્રતિપાલક મંડર શિવરાત્રીના તારક ,
આકે નાથ બચાલે   ..ઓ  ઘનશામળા
....................................................................................
ભજન -4
 રાગ -ભૈરવી
કર ભજન ભગવાનનું તારી નૈયા પાર કરે ,
       નૈયા પાર કરે તારી નાવડી પાર કરે  ..કર  ..
માત-પિતા સૂત ભ્રાત ભગિની ,કોઈ ના સહાય કરે  ..કર  ..
જીવન વાટ વિકટમાં જાતા ,શાને દિલ ડરે  ..કર  ..
શ્વાસે શ્વાસે રામ રટી લે ,પુરણ પ્રેમ ઝરે   ..કર   ..
નિર્ભય થઇ જા ,નામ રટીને "કૃષ્ણાનંદ "ખરે  ..કર  ..
..................................................................................
ભજન -5
 રાગ -કાલીંગડા
કાયામાં વસનારા હંસા ,માયામાં ફસનારા રે ,ભવસાગર ભમનારા  ..
હરી બોલ હરી બોલ દયા કરીને  તુજને દીધી,આ કાયા કિરતાર
હિરલા જેવી તુજને હંસા ,મળે ન વારંવાર   ..કાયામાં  ..
હરી બોલ હરી બોલ,રામ ભજી લે ,રામ ભજી લે ,જીવન આ વહી જાય ,
મોંઘા મૂલોનો હિરલો તારો ,રાખ મહીં રોળાય। ..કાયામાં  ..
હરી બોલ હરી બોલ,ભવસાગરને તરવા કાજે ,નામ તણું લે નાવ ,
સુકાન સોપ્યું સદગુરુ હાથે ,લે ને અમુલ્ય લ્હાવ  ..કાયામાં  ..
હરી બોલ હરી બોલ, "કૃષ્ણાનંદ" કથે છે હંસા ,ભજને તું ભગવાન
મંડળ શિવરાત્રીનું પ્રેમે ગાયે પ્રભુના ગાન  ..કાયામાં  ...
.....................................................................................
 ભજન-6
રાગ -બનઝારા ( નગરી નગરી દ્વારે દ્વારે )ડગલે પગલે સદગુરુ મારી નૈયાને સંભારજે ,

નૈયાને સંભારજે ,પ્રભુ શરણાગતને તારજે  ...ડગલે  ..
ભવજળ  ભરીયો, ભારે દરીયો ,દિશા તું દર્શાવજે (2) દિશા  ..
નાવિક નટવર સોંપી તુજને ,હરવેથી હંકારજે (2) હરવે  ..
રોમે રોમે તારે તારે ચૈતન્ય તું ચમકાવજે  ...ડગલે  ..
અધમ ઉધ્ધારણ નામ તમારું ,મહાત્તમ એનું મોટું રે (2) મહા  ..
હરતા ફરતાં તુજને સમરું ,બાકી બીજું ખોટું રે (2) બાકી
શ્વાસે શ્વાસે હરદમ સમરૂ ,જ્યોતિ તું ચમકાવજે  ..ડગલે  ..
ગુણ ગાતા મન બુદ્ધિ થાક્યા ,થાક્યા હરી હરી દેવા રે (2) થાક્યા  ..
"કૃષ્ણાનંદ "અમરપદ સેવું ,કરવા સદગુરૂ સેવા રે (2)કરવા
તન-મન સોપ્યું તુજ ચરણોમાં ,સ્નેહેથી સ્વીકારજે  ..ડગલે  ..
.....................................................................................
ભજન-7
 રાગ -ભીમપલાસ

 પ્રેમ જોગીડાની, ઝોળી લઈને ,જોગન હું બની જાવું રે - (2) વ્હાલા જોગન
                             મારે સામે કિનારે (2) જાવું રે  ..પ્રેમ  ...
તન-તંબુરોને મન મંજીરા ,સુર સોહમના બજાવું રે  ..વ્હાલા સુર  ..
પ્રેમ ગલનમાં ધૂન મચાવું, (2) અલખનિરંજન ગાવું રે  ..મારે  ..
ઝાઝા દહાડે મારા દેવ પધાર્યા હાથ પકડીને ઘર લાવું રે  ..વ્હાલા હાથ  ..
શબરી બનીને એઠાં બોર ખવડાવું (2) ભીલડી હું બની જાવું રે  ..મારે  ..
જ્ઞાનગંગાને તીરે પધાર્યા ,પ્રેમેથી પાર કરાવું રે  ..વ્હાલા પ્રેમેથી  ..
નાવડી બનીને માંહી રામને બેસાડું (2) નાવિક હું બની જાવું રે  ..મારે  ..
પતિત પાવન અધમ ઉધ્ધારણ ,ગુણ હરિના ગાવું રે  ..વ્હાલા  ..ગુણ  ..
"કૃષ્ણચરણ " આશા હરિવરની ,(2) ભવસાગર તરી જાવું રે  ..મારે  ..
.....................................................................................
                     ગઝલ
 ખુમારી ખુદ મસ્તોની , ખરા ખાખી ખુદા જાણે .
જગત અણજાણ શું જાણે,સમજ વિના ઉલટું તાણે ..
બીજું શું જાણશો બાપુ ? તમે તમને નથી જાણ્યા .
અજાણ્યા છો તમે-તમથી,જીવન પણ છે જ અજાણ્યે ..
જણાતું જાણવાનું શું ? ભણો શું ? ભૂલવાનું શું ?
ખરેખર ડુંલવાનું શું ખરે કોઈ ઓલીયા જાણે ..
અજાણે જાણશો નાં કંઈ,વગર જાણેથી પસ્તાવું
બધાના જાણનારાને પુરા જાણી તરી જાવું ..
તરી જાવું,મરી જાવું,ઠરી જાવું અમરઘરમાં
તું "કૃષ્ણાનંદ"જીવીને મરી જાવું જીવનઘરમાં
.................................................................................

   કસુંબીનો રંગ

 જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ



રચચિતાઃ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
ગાયકઃ હેમુ ગઢવી અને સાથીદારો

........................................................................................

.........................  શિવભોલા ભંડારી બાબા

 શિવભોલા ભંડારી બાબા (૨) સાધુ શિવ ભોલા ભંડારી ,
ભસ્માસુરને કરી તપસ્યા ,વરદીનો ત્રિપુરારી  ,

જીસકે સર પર હાથ ફીરવું ,ભસ્મ હોય તન સારી રે.... સાધુ ...શિવ ...
શિવકે શિર પર કરધરનકો  મનમેં દુષ્ટ બિચારી

ભાગે ફિરત ચૌદીશ શંકર ,લગા દૈત્ય ડર ભારી .... સાધુ ...શિવ ...
ગિરજા રૂપ ધરી શ્રી હરિ બોલે ,બાત અસુર સે પ્યારી ,

જો તું મુજકો નાચ દિખાવે ,હોઉં મેં નાર  તુમ્હારી .... સાધુ ...શિવ ...
નાચ કરત અપને શિર કર ધર ,ભસ્મ ભયો માતિહારી ,

બ્રહ્માનંદ કોઈ વિરલા પામે ,શિવભકત ન    હિતકારી.... સાધુ ...શિવ .
..........................................................................................
...............................કાલાઘેલા બોલ  ............................
 રાગ - ભીમપલાસ

કાલાઘેલા બોલ તારા લાગે છે મીઠડાં ,
રોજ રોજ મળવાને આવ ,શ્યામ તને રાધાના શ્યામ છે
યમુનાના ઘાટ પર જળ ભરવા જાવ છું ,
તારા માટે  છાનું છાનું ખાવાનું લાવ છું
અંતરની આગને બુજાવ .....શ્યામ .....
તારો વિયોગ શ્યામ મુજથી સહેવાય ના ,
દિલડાની વાત બધી જાહેર કહેવાય ના ,
વાંચી જો હૈયાના ભાવ  .....શ્યામ .....
અજવાળી રાતે તું એકલડો આવજે ,
વૃંદાવન કુંજમાં રાસ રચાવજે ,
અમ સંગ રજની વિતાવ  .....શ્યામ .....
શ્યામ તારો શુદ્ધ પ્રેમ હૈયાને ખેંચતો ,
પ્રેમ કેરી લ્હાણ  તું   તો સધળાને વહેચતો ,
રામભક્ત યાચે છે લ્હાવ  .....શ્યામ .....
............................................................................................

 રાગ - ભૈરવી , આશાવરી

હે જગ-જનની હે જગદંબા ,માત ભવાની શરણે તું લેજે  ..
આદ્ય શક્તિ માં આદી અનાદી ,અરજી અંબા તું ઉરમાં ધરજે  ..હે જગ  ..

હોય ભલે દુઃખ મેરુ સરીખું" મા ' રંજ એનો નવ થવા તું દેજે
રંજ સરીખું દુઃખ જોઈ બીજાનું ,રોવાને બે આંસુ તું દે જે ..હે જગ  ..

આત્મા જો  કોઈનો આનંદ પામે ,ભલે સંતાપી દે મુજ આતમને ,
આનંદ એનો અખંડ રહેજે ,કંટક દે મને પુષ્પ એને દેજે ..હે જગ  ..

કોઈના તીરનું નિશાન બનીને ,દિલ મારું તું વીંધવા દે જે ,
ઘા  સહી લઉં ઘા કરું નવ કોઈને ,ઘાયલ થઈને પડી રહેવા દેજે ..હે જગ  ..

ધૂપ બનું મા સુગંધ તું દે જે ,રાખ બનીને ઉડી જવા દે જે ,
બળું ભલે પણ બાળું નહિ કોઈને ,જીવન મારું તું સુગંધિત કરજે ..હે જગ  ..

દેજે તું શક્તિ મા દેજે તું ભક્તિ ,આ દુનિયાના દુઃખ સહેવા દેજે ,
શાંતિ દુર્લભ તારા શરણે ,હે મા  ! તું મને ખોળે લેજે ..હે જગ  ..

4 ટિપ્પણીઓ: