ગઝલો અને કાવ્યો

કોને ખબર છે?

કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!

ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો…

અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે…

આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે??

-જયંત ધોળકિયા (પોરબંદર)
....................................................

લટકવાનું

ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.
જીવનભર એ કર્યું છે ને,
હવે અંતે ય બળવાનું ?
ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !
બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું જ ફળવાનું !
જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !
તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !
અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?
જનેતાએ જ શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !
– વિનોદ ગાંધી
...............................................

ગઝલ

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.
જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.
કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.
બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.
મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.
– મધુમતી મહેતા
......................................................

ગઝલ

બંદગી જેને વહાલી હોય છે,
એમને ઘર પાયમાલી હોય છે.
દાનમાં એ દઈ શકે આખું જગત,
હાથ જેના સાવ ખાલી હોય છે.
આંસુ કેવળ એજ ટપકે આંખથી,
યાદની જેને બહાલી હોય છે.
દૂર હો એનેય જકડે બાહુમાં,
જીવ પણ કેવો ખયાલી હોય છે.
ત્યાં મિલનને ને અહીં નોખાઈને,
સાથસાથે રાતપાલી હોય છે !
પૂછ મા શતરંજ જેવા શખ્સનું,
ચાલ બસ ઊંધી જ ચાલી હોય છે !
મૃત્યુનો સંદેશ જે લાવે કદી,
જિંદગી સહુની ટપાલી હોય છે !
– હરેશ ‘તથાગત’
................................................

અકબંધ છે

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે,
પણ શું ઉગ્રતા એની એ જ છે?
ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે,
પણ શું શીતળતા એની એ જ છે?
હરિયાળી ધરાની હજીય અકબંધ છે,
પણ શું સૌમ્યતા એની એ જ છે?
રૂદન શિશુનું હજીય અકબંધ છે,
પણ શું નિર્દોષતા એની એ જ છે?
જોઉં છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,
પણ ક્યાંક તો દરિદ્રતા એની એ જ છે.
ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,
પણ શું માનવતા મારી એની એ જ છે?
આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,
પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.
-જેમિશ બુટવાલા
...............................................................

ઇશ્વરની કમાલ

ઓ ઇશ્વર, તારી કેવી કમાલ,
દસ પીંછીમાં સમગ્ર સૃષ્ટિની ભાત.
એક પીંછીમાં શીતળતાનો અનુભવ,
બીજી પીંછીમાં ગરમીની પહેચાન.
ત્રીજી પીંછીમાં વરસાદની હેલી,
ચોથી પીંછીમાં સપ્તરંગી ભાત.
પાંચમી પીંછીમાં હરિયાળીનું સામ્રાજ્ય,
છઢ્ઢી પીંછીમાં ફૂલોનો મહેકાટ.
સાતમી પીંછીમાં પક્ષીનો ક્લબલાટ,
આઠમી પીંછીમાં નદીઓનો ઘેઘારવ.
નવમી પીંછીમાં ગીરિઓની હાર,
દસમી પીંછીમાં સમગ્ર પ્રકૃતિ દ્રશ્ય.
-મેધા સોલંકી
..........................................................

તો ખરા

માણસોને ઓળખી લો તો ખરા,
નાડ તેની પારખી લો તો ખરા.
નેહ કેવો છે ભલા ઓ આદમી,
હાટ માંડીને લખી લો તો ખરા.
પ્રસંગો ભીના તે પાછા વળાવી,
આજ તેને જ હરખી લો તો ખરા.
જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ?
ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા.
‘રામ બોલો’, ‘રામ બોલો’ આખરે
શબ જગાડી નિરખી લો તો ખરા.
– ગોવિંદ દરજી ‘દેવાંશું’
......................................................

જિંદગીની સફર

જિંદગીની સફરમાં હું નિત્ય ફરું છું,
વ્યથાનો ભાર લઇ નગરની શેરીઓમાં ફરું છું.
કોણ સાંભળશે આ દુઃખભરી ફરિયાદ મારી,
આજ તો દિલ પર બોજ લઇ ફરું છું.
હતી પ્રતિક્ષા પ્રેમમાં તને પામવાની,
એજ પ્રેમની આગમાં દિલને બાળીને ફરું છું.
સૂકાં રણ જેમ બનતી મારી આ પ્યાસ,
આજ તો ઝાંઝવાના નીર પીને ફરું છું.
બળું છું મિણબત્તીની જેમ આ જિંદગીમાં,
બની પતંગો શમા પર બળ્યા કરું છું.
મને વસવસો રહી ગયો તને પામવાનો,
હવે તો દિલમાં જખમોને લઇને ફરું છું.
કોને જઇ સમજાવું, આ દર્દ મારી પ્રિતના,
હવે હું જ ફકીર થઇ ભમતો ફરું છું.
શોઘું છું તને આમ-તેમ, બાગોને ઉપવનમાં,
બની ‘સ્નેહલ’ સ્મશાનની રાખ, આમ-તેમ ઉડ્યા કરું છું.
-હરિશ ડી.મોઢેરા ‘સ્નેહલ’
..............................................................

શોઘું છું

જીવન બદલાવી દે એવો એક
ઇશારો શોઘું છું.
જીવન ચમકાવી દે એવા
તેજસ્વી વિચારો શોઘું છું.
જીંદગીની સફરમાં સઘ્ધર એવો
સહારો શોઘું છું.
સફરમાં થોડો આરામ આપનારો
ઉતારો શોઘું છું.
જીંદગી એક સવાલ છે તેથી
એના જવાબો શોઘું છું.
જીવનના ગણિતને ગણવા
કર્મોના હિસાબો શોઘું છું.
અસત્યની જાળને કાપવા
સત્યની તલવારો શોઘું છું.
નફરતની આગને બુઝાવવા
પ્રેમનો ફુવારો શોઘું છું.
નજરને ગમી જાય એવો સુંદર
નજારો શોઘું છું.
વહેવાર અને તહેવારમાં
હવે સુધારો શોઘું છું.
ભગવાન તેં મારા પર કરેલા
ઉપકારો શોઘું છું.
તારો આભાર માનવા યોગ્ય
ઉપહારો શોઘું છું.
ઉંચાઇ આપે જીંદગીને એવો
મિનારો શોઘું છું.
ખૂબ તર્યો છું સંસાર સાગર હવે
કિનારો શોઘું છું.
-સુનિલ સી.પટેલ
.................................................

નિઃસ્વાર્થ પ્રેમ

જીંદગીનો મધ મીઠો સ્વાદ ચાખું છું,
જીવન મૌજ થી માણવાની
તમન્ના રાખું છું.
ન વસે કોઇ બેવફા મારા
હૃદય માં એ ડર થી,
હૃદય ના દરવાજા હંમેશા બંધ રાખું છું.
આ દુનિયામાં સ્વાર્થથી જ જીવી શકાય,
તોય નિઃસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા આપું છું.
મળી છે પ્રેમમાં બેવફાઇ મુજને,
આજ સુધી પણ વફાદારીની
કામના રાખું છું.
બઘુ મેળવી પણ ખુશ નથી આજનો
માનવી,
સહુને ‘‘ખુશનસીબ’’ બનવાની
પ્રેરણા આપું છું.
નાજુક દર્પણ જેવું હૃદય છે મારું,
તોય નિઃસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા આપું છું.
મળી છે પ્રેમમાં બેવફાઇ મુજને,
આજ સુધી પણ વફાદારીની
કામના રાખું છું.
બઘુ મેળવી પણ ખુશ નથી
આજનો માનવી,
સહુને ‘‘ખુશનસીબ’’
બનવાની પ્રેરણા આપું છું.
નાજુક દર્પણ જેવું હૃદય છે મારું,
તોય પત્થર દિલ લોકોથી પ્રેમ રાખું છું.
આજ માટીમાં જન્મ્યો ને
માટીમાં જ ભળી જઇશ,
પણ મારી ખુશ્બુ રહે સદા આ માટી માં
એવી કામના રાખું છું.
-સુનીલ એલ.પારવાણી ‘‘ખુશનસીબ’’
.........................................................

જીવન એક દોસ્તાના!

ખિલેલા ઉપવનમાં ચુંટાયેલું ફૂલ છું,
ભરચક ભીંડમાં લુંટાયેલી ઘૂળ છું
તમે હાથ માગ્યો ને મેં આપ્યો હતો
આજે જમીનથી છુટું પડેલું મૂળ છું
બહુ ઓછા સમજે છે દોસ્તીના સંબંધને
હું ખુદ દોસ્તી નિભાવતું ખુન છું
રોજ જોઊં છું એ વ્યથાના વમળોને
આજે તો તેથી હું લૂપ્ત થતું કૂળ છું
હજી પણ આશ છે એના સ્મરણની
બધા કહે છે મને તો દોસ્તીનું ભૂત છું
જીવુ છું બસ બીજાઓ માટે જ ‘ફોરમ’
દુનિયા પછી કહેશે, હું દોસ્તીની ઘૂન છું.
-મહેન્દ્રકુમાર ડી. પરમાર ‘ફોરમ’
........................................................

ગઝલ

શ્વાસનો પ્હેરો ભરીને કોઈ રખવાળું કરે છે.
સાવ અંદર સંચરીને કોઈ રખવાળું કરે છે.
ડૂબતો એ જીવ આપોઆપ ઊગરશે જ અંતે,
પાંદડાં રૂપે ખરીને કોઈ રખવાળું કરે છે.
પ્હાડ પીડાના બધાયે પીગળી જાશે તમારા,
પ્રેમનો પાલવ ધરીને કોઈ રખવાળું કરે છે.
આંગણામાં ઝેરનું એ ઝાડ ઊગે છે છતાંયે
પ્રાણવાયુ પાથરીને કોઈ રખવાળું કરે છે.
ગાઢ જંગલમાં નથી ચિંતા ચરણને ચાલવાની,
અધવચાળે આંતરીને કોઈ રખવાળું કરે છે.
તાગતાં તળ એ બધાંયે આખરે તો છે સલામત,
છેક ઊંડે ઊતરીને કોઈ રખવાળું કરે છે.
આમ તો એ છે અગોચર ક્યાંય દેખાતું નથી પણ,
વ્યોમ માફક વિસ્તરીને કોઈ રખવાળું કરે છે.
– નીતિન વડગામા
..............................................................

કૈં નથી…

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો
માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો
એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ
...........................................................

જીવન બની જશે

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .
– ‘મરીઝ’
........................................................

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.
– આદિલ મન્સૂરી
.............................................................

ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે.
ધારે તો મૂળમાંથી તમને ડિલીટ કરી દે.
જાણે છે એમને જે, તૈયાર સૌ રહે છે
કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે.
મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ
પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે.
અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે
બે ચાર સ્ટેપ મૂકે તારી લિમીટ કરી દે.
શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઇ છે
ટાણુ એ સાચવી લે, શ્રધ્ધાને હિટ કરી દે.
દેખાય ધૂંધળું તો લ્યો આ ગઝલને પહેરો
દ્રષ્ટીનો ભેદ ભાંગે, દ્રશ્યોને નીટ કરી દે.
– કૃષ્ણ દવે
..............................................................
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો