શનિવાર, 21 માર્ચ, 2015

નાઝિરની ગઝલો

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો!
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

......................................................................................

વાર્યા નથી જાતાં


અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં;
કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં.

બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું,
અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં.

તમે તો એ રીતે પણ મોકળું મનને કરીલો,
અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં.

હઠીલા હોય છે એને કાં સમજાવે છે મન મારા!
એ જાયે છે તો હાર્યા જાય છે વાર્યા નથી જાતાં.

તમે કાં વાતે વાતે નીર ટપકાવો છો નયનોથી,
બધા અવસર સમે કંઈ દ્વાર શણગાર્યા નથી જાતાં.

નમન પર નાઝ કરનારને ‘નાઝિર’ આટલું કહી દે,
ઘણાય એવાય સઝદા છે જે સ્વિકાર્યા નથી જાતાં.
...................................................................................... 

નમન દેજે.

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં,મને એવાં નયન દેજે.
હું મુક્તિ કેરો ચાહક છું,મને બંધન નથી ગમતાં;
કમળ બિડાય તે પહેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું,કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદા યા!આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે.
.............................................................................................

કોહિનૂર લાગું છું


કોઈને આગ લાગું છું,કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું,
દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગું છું.
હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજન દૂર લાગું છું.
તમારા રૂપની રંગત ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું.
કસોટી પર તો ‘નાઝિર!’ છું ફકત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.
..................................................................................................

એ વાત મને મંજૂર નથી

 
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.
આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.
તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;
હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;
એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી.
...........................................................................................................
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો