મંગળવાર, 24 માર્ચ, 2015

રાજેશ જોશી ‘આરઝુ’

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
અમૃત ‘ ઘાયલ’
એમ તો ન કરી શક્યા અમને નગરમધ્યે,
બદનામ કરવા એ દરેક ઘર સુધી ગયા.
એમ તો નિરખી ન શક્યા ખુદાને ખુદ મહીં.
લોક સઘળા પથ્થરના ચણતર સુધી ગયા.
પાત્રતા તો ન હતી ખાબોચિયાં જેટલીયે,
‘ને વિશાળતાને પામવા સમંદર સુધી ગયા.
અમે કંઈ એમ પાછા આવવાના પણ ન હતા,
તો ય અવિશ્વાસુ પંખી છેક ચાદર સુધી ગયા.
જીવતા કોઈ જાણી ન શક્યું ‘આરઝુ’ અમને,
મૃત્યુ બાદ સૌ ફુલો લઈ કબર સુધી ગયા.
રાજેશ જોશી ‘આરઝુ’
...................................................................................

મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.
વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.
બોમ્બ થૈ ‘ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?
નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.
કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.
રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.
રાજેશ જોશી ‘આરઝુ’
.................................................................................... 


જિંદગી રણની મળી, ભીનાશ થઈ ઉભા રહો.
પ્યાસ મૃગજળની મળી, વિશ્વાસ થઈ ઉભા રહો.
ચારેકોર અંધકાર ‘ને, ઓળા અથડાયા કરે,
જ્યોત દીપની મળી, પ્રકાશ થઈ ઉભા રહો.
કસ્તુરી પડી ભીંતર મહી ‘ને શોધું ચોપાસ,
વ્યથા હરણની મળી, આશ થઈ ઉભા રહો.
કરમાઈને પણ સુગંધ આપે એવુ ફુલ બનું,
હસ્તી ક્ષણની મળી, સુવાસ થઈ ઉભા રહો.
અંતરને કદી સીમાડા હોતાં નથી ‘આરઝુ’
ધુળ એના ચરણની મળી, આકાશ થઈ ઉભા રહો.
રાજેશ જોશી ‘આરઝુ’
.........................................................................................

અમારા પાગલ દિલને એક જ ધરપત અમારી છે.
અમે જાતે જ નોતરેલી આ કયામત અમારી છે.
 ચાંદને શું ખબર કોઈ ચાતકે સમાવ્યો સિનામાં તેને,
લગભગ એ ચાતક જેવી જ હાલત અમારી છે.
 એમના દિલને કોઇ ખૂણે, અમે હશુ કે નહી, ખબર  નથી,
માત્ર એમની જ કરેલી, માત્ર ઇબાદત અમારી છે.
 દોષ નથી કશો પણ એમાં, એમના દિલનો,
અમારા દિલને તોડનારી તો આ કરવત અમારી છે.
 ‘આરઝુ’  અમને એક જ મળે કબરને  એમના બે આંસુ,
પછી તો બસ, એ અશ્રુવનમાં જ જન્નત અમારી છે.
રાજેશ જોશી ‘આરઝુ’
................................................................................................
દુનિયામાં થી પ્રેમને કોઈ ભાગાડી દેજો.
નહિંતર આંસુમાં ચહેરો ડુબાડી દેજો.
ફનાગીરીની તૈયારી હોય તો જ પગ મુકજો,
નહિંતર અત્યારે જ મેદાન છોડી દેજો,
‘તુ’ ‘ને ‘હું’ના ભેદભાવ ત્યાં હોતા નથી,
સ્નેહનાં તાંતણે સમગ્રને જોડી દેજો.
એકમાં સમગ્ર ‘ને સમગ્રમાં એક જ બિંબાય,
પછી કાચના નકામા દર્પણને ફોડી દેજો.
સમર્પણનુ જ બીજુ નામ પ્રેમ છે ‘આરઝુ’
સ્વાર્થને સદાય ખીંટીએ ખોડી દેજો.
રાજેશ જોશી “આરઝુ”
.......................................................................................
જિંદગીભર તમને જ યાદ કરશું.
મંદિરમા યે તમારો જ નાદ કરશું.
આપશે અગર આંસુ ઇશ્વર આપને,
અમે ઇશ્વર સાથે ય વિવાદ કરશું.
અણુઅણુમાં છલકશે યાદ આપની,
તમારા નામના તડકાથીયે સંવાદ કરશું.
છો ને બરબાદ થૈ જતી જિંદગાની,
તુજ કાજ અમ અસ્તિત્વને બાદ કરશું.
ભલે ખંડર બની જતુ શમણાનુ શહેર,
સ્કંધપર છત તમારી આબાદ કરશું.
રાજેશ જોશી “આરઝુ”



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો