સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

હિસાબો થાય છે...!!! ---અશોક વાવડીયા

હિસાબો થાય છે...!!!

આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપપુણ્યોના હિસાબો થાય છે.

જેટલા આપું જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.

ના થઈ શકયા જે ખુલ્લી આંખથી,
બંધ આંખોથી પ્રવાસો થાય છે.

શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ સ્વપ્ને રાતવાસો થાય છે.

જીવ માફક સાચવું એને છતાં,
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.

સૌ વિચારો જેમનાં પણ હો બુલંદ,
એમની વાતે રિવાજો થાય છે.
-અશોક વાવ
ડીયા
..........................................................




  સુર-તાલ સમજે છે...!!!

અસલ તેઓ જ જીવન ચાલ સમજે છે,
કટાણે પોતાનાં જે હાલ સમજે છે.

પ્રગતિ શું કરવાનાં એ શેખચલ્લીના-
વિચારક, આજને જે કાલ સમજે છે.

નચાવી જાણે દુનિયાને સરળતાથી-
એ, જે સંગીતનો સુર-તાલ સમજે છે.

વતનની લાજ લુંટાતી બચાવે એજ,
વહેતો રંગ લહુનો લાલ સમજે છે.

વતનને એ શું આપી શકવાના "રોચક",
છે સહિયારો,જે ખુદનો માલ સમજે છે.

-અશોક વાવડીયા "રોચક"
...............................................

ફરી યાદ કર...!!!

થશે, કરશું ! ના એવી વાત કર,
જે કરવું,આજ, અબ્બી હાલ કર.

વસેલો ભીતરે તારી સદા,
ના તું ફરિયાદ કર,ફરી યાદ કર.

તું ચાહે, આપવા તૈયાર છું,
પરખવા સત્વરે આવાજ કર.

તું કરવામાં ભલે અસમર્થ હો,
કરે છે, એના પર તો નાજ કર.

ના બિરદાવી શકે તો ચાલશે,
ના કોઈનો કદી ઉપહાસ કર.

વિતેલી ક્ષણ ફરીથી પામવા,
હ્રદય અંદર જઈ વસવાટ કર.

ફરું, તારો જ પડછાયો બની,
હો,જો તાકાત ! તો તારાજ કર.

-અશોક વાવડીયા "રોચક"
.....................................................

ધબકાર છે....!!!

જીત ખોટાની, ખરાની હાર છે,
જીવવું લાગે હવે બેકાર છે.

પોતાના જાણી કરી દરકાર છે,
એટલે મીઠી મધુર તકરાર છે.

અનુભવી શકશો તમે, દેખાય ના,
લાગણીભીના હ્રદય ધબકાર છે.

બુધ્ધિથી નિર્માણ તનનું શક્ય છે,
પ્રાણ અંદર રેડવો પડકાર છે.

સત્ય રાહે ચાલવું કપરું ઘણું,
લાગશે તલવારની એ ધાર છે.

માનવી રફતારથી ભાગી રહ્યો,
ને અકસ્માતોની બસ ભરમાર છે.

એક ઇશ્વરનો નથી આકાર કોઈ,
એમની રચના, જગત સાકાર છે.

નેક કામોમાં તું જો નૈકી કરે,
આપવો મારે ય પણ સહકાર છે.

બ્હારથી તું સાજ-શણગારે ભલે,
મારે મન આત્મા ખરો શણગાર છે.

-અશોક વાવડીયા "રોચક"
.................................................

ગઝલ...!!!
અહમ્ ઉતારી શકો...!!!

ગમો અણગમો મુખનો વાંચી શકો,
તમો, તોજ કારણ ઉકેલી શકો.

અગર એક વાતે જ ફાવી શકો.
અહમ્ બારબારો ઉતારી શકો.

કલામે બનાવી છે એવું નથી,
તમે પણ મિસાઇલ બનાવી શકો.

નવું જાણવાને અજ્ઞાની બનો,
પહેલાં ભણો, તો ભણાવી શકો.

સમય લ્યો ગમે તેટલો,પણ ગઝલ-
મઠારો, હજું પણ મઠારી શકો.

મળે દ્રોણ સરખા ગુરૂ જો કદી,
પછી આંખનું લક્ષ સાધી શકો.

કરો પ્રેમ કાંટાથી, આ રીતથી,
જીવનની ડગર પણ સજાવી શકો.

સતત અટપટા રસ્તે ચાલી તમે,
વિચારો તમારાં ય વાવી શકો.

-અશોક વાવડીયા "રોચક"
......................................................

 સમજાય તો ...
જિંદગી તો મર્મ  છે,સમજાય  તો,
હા મને પણ ગર્વ છે,સમજાય તો.
સાદગીથી  જીવવામાં   છે  મજા,
આજ સાચો કર્મ છે,સમજાય  તો.
મૌન છે શબ્દો છતા  સહુ સાંભળે,
આ ખરેખર અર્થ છે, સમજાય તો.
ઉત્તરો   એના  જ   પ્રશ્નોમાં   હશે,
એક સીધો તર્ક   છે, સમજાય  તો.
હોય વાણી   સંયમી   સૌને  ગમે,
એજ સાચો ધર્મ છે,સમજાય  તો.
~અશોક વાવડીયા,《રોચક》♥
# છંદ=રમલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

.........................................................
 ત્યાગવાનું શીખી જા….!!

કોઇના પ્રશ્નો સળગતા ઠારવાનું શીખી જા,

આ જ રીતે,દિલ તું સૌના જીતવાનું શીખી જા.

જંગ લડવી પડશે તારે જિંદગીભર એકલાં,

હારવાનું, જીતવાનું, ભાગવાનું શીખી જા.

મરવાનું કે મારવાનું ચાલતું રહેવાનું અહિ,

તું પ્રથમ વચ્ચે રહીને જીવવાનું શીખી જા.

મોહ-માયા-લોભ-લાલચથી ઉપર ઊઠી,હવે-

એટલું કર બસ,કે સઘળું ત્યાગવાનું શીખી જા.

ધૂળ, કાંટાળા,ઉબડ-ખાબડ આ રસ્તેથી હવે,

એકલો હસતાં મુખે તું ચાલવાનું શીખી જા.

- અશોક વાવડીયા
.............................................................


જિંદગીજી ધીમે ચાલો….!!!!

જિંદગીજી ધીમે ચાલો કામ ઝાઝા બાકી છે,

છું હજું પ્રારંભમાં, ને ગામ ઝાઝા બાકી છે.

છું પથિક પથ પર પહોંચ્યો પણ નથી મારા સુધી,

ધામ તારું લેવું છે, પણ નામ ઝાઝા બાકી છે.

એય સાચું છે ,કે ઘટઘટમાં બિરાજે રામ અહિ,

આ હિસાબે ભજવા મારે રામ ઝાઝા બાકી છે.

તારા નામે પીવો મારે, નામ તારા છે અનેક,

એ હિસાબે પીવા મારે જામ ઝાઝા બાકી છે.

જન્મ આપ્યો આ જગતમાં, તું હવે જીવાડજે,

ચુકવું શે અહેસાન તારો, દામ ઝાઝા બાકી છે.

- અશોક વાવડીયા
............................................................


જે પણ થવાનું હશે, એ થવાનું…!!!


કલાનું, કથાનું, સભાનું, સખાનું, સજાનું, કશાનું,

બહાનું મળી જાય મળવાનું બસ કોઇપણ એક મજાનું.

પહેલા કરો નક્કી, કે કેટલું ક્યાં લગીને જવાનું,

પછી ચાલવા માંડો, જે પણ થવાનું હશે, એ થવાનું.!

સદીઓથી જીવંત રાખી જગતને વહેતી રહે એ,

હવે આવો આગળ, ને સન્માન કોઈ કરો આ હવાનું.

જીવાશે ! હશે મરજી એની ય મારી ઉપર ત્યાં લગીને,

દુવાઓ કરો ભઈ દુવાઓ, નથી કામ કોઈ દવાનું.

ખુશી આવીને ઊભી છે મારે ઘર આજ મારી લગોલગ,

હવે એ તો કહો ? કે કરું શું હું, મારી સખી આ વ્યથાનું.

- અશોક વાવડીયા
......................................................................

 

ઈશ્વર છે ???


ઈશ્વર છે ? એવા  પ્રશ્ન રોજેરોજ થાય છે,

ભીતર બિરાજે, ને બહારે ખોજ થાય છે,

બેસાડી દીધો એને પણ મંદિર મધ્યે; પછી,

એના જ નામે કાયમ મોજે મોજ થાય છે.

- અશોક વાવડીયા
.......................................................................
આવકારી જોઇએ…!!!

મધથી મીઠી ખાસ વાણી જોઇએ,

આટલી જાહોજલાલી જોઇએ.

કોઇની પણ સામે ઝુકવું ના પડે,

કરકસરથી ઘર ચલાવી જોઇએ.

વાવણી લાયક થયા છે વાદળો,

સ્મિત વદને આવકારી જોઇએ.

નિત્ય આવે છે વિચારો જે નવા,

ચાલ એને ક્યાંક વાવી જોઇએ.

મેઘદર્શન કોઇને પણ થાય, એ-

ઘટના સ્થળની જાણકારી જોઇએ.

આવવાની શક્યતા ત્યારે વધે,

ચાંદ ફરતે જળની લાલી જોઇએ.

-અશોક વાવડીયા ” રોચક “

.......................................................
 દ્વાર ખખડાવો હવે…!!!

કોઇ સખત વિરોધ નોંધાવો હવે,

ને થતો અન્યાય અટકાવો હવે.

રૂબરૂ મળવું છે ઇશ્વરને હવે ?

હા….તો એના દ્વાર ખખડાવો હવે.

ગાઢ નિંદ્રાનો ઉઠાવી ફાયદો,

કોઇ સ્વપ્ના મીઠા તફડાવો હવે.

બાળપણ,યૌવન પછી ઘડપણ,ફરી-

એને બાળક સાથે સરખાવો હવે.

આમ ઊભા ઊભા તો શું પામશો !

પંડ આગળ થોડું સરકાવો હવે.

- અશોક વાવડીયા

......................................................
જિંદગીજી ધીમે ચાલો….!!!!

જિંદગીજી ધીમે ચાલો કામ ઝાઝા બાકી છે,

છું હજું પ્રારંભમાં, ને ગામ ઝાઝા બાકી છે.

છું પથિક પથ પર પહોંચ્યો પણ નથી મારા સુધી,

ધામ તારું લેવું છે, પણ નામ ઝાઝા બાકી છે.

એય સાચું છે ,કે ઘટઘટમાં બિરાજે રામ અહિ,

આ હિસાબે ભજવા મારે રામ ઝાઝા બાકી છે.

તારા નામે પીવો મારે, નામ તારા છે અનેક,

એ હિસાબે પીવા મારે જામ ઝાઝા બાકી છે.

જન્મ આપ્યો આ જગતમાં, તું હવે જીવાડજે,

ચુકવું શે અહેસાન તારો, દામ ઝાઝા બાકી છે.

- અશોક વાવડીયા

................................................................ 

મોતથી ડરતો નથી…!!!


ખોટી   માથાકૂટમાં   પડતો   નથી,
ઘાવ જૂના બસ હવે ખણતો  નથી.
તારો   છું,   તારો   રહેવાનો    પ્રભુ,
હું  મને  ! મારો  કદી  ગણતો  નથી.
છે   અચલપદ, માપદંડો  છે   જુદા,
પ્રેમ કદી વધતો નથી,ઘટતો નથી.
જે   તરે  છે  એને  આસ્થા   કૈ   શકો,
પાણીમાં પથ્થર કદી  તરતો  નથી.
ટાણું આવ્યે ખોળિયું બદલે છે  બસ,
આપણો આત્મા કદી  મરતો  નથી.
પૂર્ણ   પામી   આજ   બેઠો   છું   હવે,
આવતું  છો   મોતથી   ડરતો   નથી.
ગૂઢ  શક્તિઓ  લખાવે   છે   ગઝલ,
મારી  મેળે  હું   કદી   લખતો   નથી.
– અશોક વાવડીયા
..........................................................

મોજે-મોજ ભીતરમાં…!!!


થતી શ્વાસોની શાને આવ…જા તું  શોધ  ભીતરમાં,
મને લાગે છે એનો પણ  હવે  તો  બોજ  ભીતરમાં.
રખે  એવી  ય પરિસ્થિતિ ઉભી થઇ જાય, એ  માટે,
તળેટી પણ છે ભીતરમાં, અને  છે  ટોચ  ભીતરમાં.
કરે  જાઉં  કરાવે   એમ  આ   સઘળી   ય  ક્રિયાઓ,
હું  સેવક, ને બની  બેઠો એ મારો  બોસ  ભીતરમાં.
હવે   મુશ્કેલ  મારી  મૂળ   સ્થિતિમાં   પરત   ફરવું,
ઉતારી  દીધી   છે  દર્દોની   એણે   ફોજ   ભીતરમાં.
પહેલાં   શ્વાસ  કે  આત્મા  છુટો  પડશે  શરત  માટે,
પહેલાં  તો  ઉછાળો  આવી  કોઈ   ટોસ  ભીતરમાં.
નથી અવતરવું કે મરવું નથી  હાથોમાં, સમજાયું-
પછીથી,માણું  છું  હું  નિત્ય  મોજે-મોજ  ભીતરમાં.
કરું જો પાપ એક તો પુણ્ય દસ કરવા કરે મજબુર,
વળી  કરતો  તકાજો  આવી  રોજેરોજ   ભીતરમાં.
– અશોક વાવડીયા
..........................................................................

ભારે કરી…!!!


આ જગતની ભીડમાંથી નીકળી ભારે કરી,
મેં પ્રભુને પીરમાંથી નીકળી ભારે કરી.
યુગયુગોથી સમાધી વશ હતો,ને ખુશ હતો,
આભ દેખી બીજમાંથી નીકળી ભારે કરી.
આજ તો સમથળ સપાટી આખરે છેટી પડી,
ટોચ છોડી ખીણમાંથી નીકળી ભારે કરી.
જાળવી નૈ મૌનની મસ્તી ઘણી સસ્તી હતી,
એક અધૂરી ચીખમાંથી નીકળી ભારે કરી.
ત્યાં સુધી પાટે હતું, હું જ્યાં સુધી પાટે હતો,
એકસરખી રીતમાંથી નીકળી ભારે કરી.
ફેર માનવદેહ આ મળવો હવે મુશ્કેલ છે,
મેં મજાના પિંડમાંથી નીકળી ભારે કરી.
-અશોક વાવડીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો