શનિવાર, 30 ઑગસ્ટ, 2014

પુરુષ શબ્દની વ્યુત્પત્તિ શું છે?
જે પ્રાણી શરીરરૂપી પુર કે નગરમાં રહે છે અથવા આવેશને સહન કરે છે એ પુરુષ કહેવાય છે.
સૂર્ય શું છે? સરતિ આકાશે ઈતિ સૂર્ય: જે આકાશમાં સરે છે, સરકે છે એ સૂર્ય છે.
પૃથ્વી શબ્દ પૃથુ પરથી આવ્યો છે. પૃથુ એટલે વિશાળ, વિસ્તીર્ણ.
પ્રાર્થના એટલે ઈશ્વર પાસે પહોંચવાની ઈચ્છા એવો અર્થ વિનોબાએ કર્યો છે.
ઉપવાસનો અર્થ સ્પષ્ટ છે, વાસ એટલે રહેવું. ઈશ્વરની પાસે રહેવું એવું અર્થઘટન થયું છે.
મંદિરનો અર્થ પ્રમુખસ્વામીના મર્મઘટન પ્રમાણે સ્થિર મન. જે મનને સ્થિર કરે છે એ મંદિર. ભક્તિ શબ્દ સેંકડો વાર આપણે વાપરીએ છીએ પણ એનો અર્થ પંડિત કે. કા. શાસ્ત્રીના પુસ્તકમાં મળ્યો. ભક્તિ એટલે એક જ વસ્તુને આશરે જઈને રહેવું.
દરેક શબ્દની પાછળ એક કારણ હોય છે અને કારણ કે હેતુ, મૂળ કે ધાતુ શોધવી એ વ્યુત્પત્તિનું કામ છે. ઘણી વાર એ મળી જવાથી એ સમયના સમાજશાસ્ત્રથી ઈતિહાસ સુધીની ઘણી માહિતી મળી શકે છે અને આપણે શું બોલીએ કે લખીએ છીએ એ વિષે સ્પષ્ટતા થઈ જાય છે.
પણ વ્યુત્પત્તિ વિષે એક પણ પુસ્તક ગુજરાતીમાં જોવામાં આવ્યું નથી એટલે ખોદીખોદીને એકએક શબ્દની ઉત્પત્તિ શોધવી પડે છે. ગુજરાતની સાહિત્ય અકાદમી, કલાસંસ્કૃતિના રખેવાળો, વિશ્વવિદ્યાલયો, ગુજરાતીના અધ્યાપકો ગમે તે આ કામ શરૂ કરી શકે છે કારણ કે ગુજરાતી શબ્દનું ગોત્ર શોધવાની પ્રવૃત્તિ માટે લાઈસન્સ લેવાની જરૂર નથી.
માણસ ઘરમાં બેસીને પણ એ કાર્ય શરૂ કરી શકે છે. જરૂર છે માત્ર કાર્યાર્થીઓની.
ડૉ. આંબેડકરે આર્ય શબ્દ વિષે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા આપી હતી. બે શબ્દો છે: અર્ય અને આર્ય. એમના વિધાન પ્રમાણે અર્ય શબ્દ ઋગ્વેદમાં 88 વાર વપરાયો છે, જ્યારે આર્ય શબ્દ 31 વાર વપરાયો છે. પણ આ શબ્દ જાતિના અર્થમાં વપરાયો નથી, અર્ય કે આર્ય એક પણ નહીં. આ પ્રકારનાં આશ્ચર્યો શબ્દશોધકોને સતત મળતાં રહે છે.
કુરઆનમાં ખુદા શબ્દ ક્યાંય વપરાયો નથી જેનું મુસ્લિમોને કદાચ આશ્ચર્ય થઈ શકે છે પણ ભાષાશાસ્ત્રી માટે એ રહસ્ય નથી. કુરઆન અરબી ભાષામાં છે, અને અરબી શબ્દ અલ્લાહ છે.
ખુદા એ ફારસી શબ્દ છે માટે કુરઆનમાં નથી. આ જ રીતે એક વાત ઉમાશંકર જોષીએ એમના શાકુન્તલના અનુવાદની પ્રસ્તાવનામાં નોંધી છે. કાલિદાસે પૂરા શાકુન્તલમાં પ્રેમ શબ્દ વાપર્યો નથી. આ શબ્દ આપણે ત્યાં યુરોપીય અસર નીચે આવ્યો છે. કાલિદાસે દુષ્યન્ત અને શકુંતલાના સંબંધ માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે: અભિલાષ, મન્મથ, રતિ, અભિનિવેષ, અનુરાગ, મનોરથ આદિ.
ઓશો રજનીશ માને છે કે લવ શબ્દ સંસ્કૃત લુભ (લોભ) પરથી આવ્યો છે (લવમાં કેટલા ટકા લોભ હોય છે?).
બાકાયદા બક્ષી - Chandrakant Bakshi...*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો