રવિવાર, 1 ફેબ્રુઆરી, 2015

ગાયત્રીમંત્રનું રહસ્ય – મકરન્દ દવે

ગાયત્રીમંત્રનું રહસ્ય – મકરન્દ દવે

(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર)

ગાયત્રી એ વિશ્વામિત્રે આપેલો મહામંત્ર છે. વૈદિકમંત્રોની અંદર એ સર્વોત્તમ ગણાય છે. એ સૂર્યનો મંત્ર ગણાય છે પણ સૂર્ય તો એનો આધારરૂપ છે. સૂર્યની અંદર, પરમ પ્રકાશની અંદર, જે પરમ તત્વ છે એના પ્રત્યેની પ્રાર્થના છે. ગાયત્રી એ પોતે જાણે ગરુડનું, સુપર્ણનું બીજું નામ છે. ગરુડ એટલે પ્રાણ. આપણું પ્રાણતત્વ, આપણો પ્રાણ સૂર્ય. ગુરુને સૂર્ય સાથે સરખાવ્યો છે. ગાયત્રીનો એક અર્થ થાય છે ‘ગાયન્તમ્ ત્રાયતે ઈતિ ગાયત્રી.’ જેનું ગાન કરે છે તેને તારે છે તે ગાયત્રી. જે એનું રટણ કરે છે, એનું ગાન કરે છે, એનો સૂર પોતાની અંદર ઉતારે છે, તેને ગાયત્રી જીવનમાં અંધકારની પેલે પાર લઈ જાય છે, પરમ આનંદ ભણી, પરમ અસ્તિત્વ ભણી અને પરમ ગાન ભણી. બીજો અર્થ એ પણ થાય છે કે જે પ્રાણને તારે છે, મનુષ્યના પ્રાણને વધુ ઉજ્જવળ, વધુ નિર્મળ, વધુ સરળ બનાવે છે તે ગાયત્રી.’

આમ તો ગાયત્રી એક વૈદિક છંદ છે. ગાયત્રીમંત્ર એટલો બધો પ્રખ્યાત થયો એટલે છંદને જ મંત્ર તરીકે નામ મળી ગયું. ગાયત્રી છંદની અંદર એવું એક તત્વ છે જે મનુષ્યની ત્રણેય ભૂમિકાને શુદ્ધ કરે છે, ઊર્ધ્વમાં લઈ જાય છે. ગાયત્રીની ત્રણ ભૂમિકા છે : ૐ ભૂર્‍ ભુવઃ સ્વઃ જેને વ્યાહ્રતિ કહેવામાં આવે છે. – એટલે કે આપણે ત્રણ ભૂમિકાના નિવાસી છીએ. એક ભૌતિક ક્ષેત્રમાં, ઈન્દ્રિયોના જગતમાં, જે આપણો ભૂલોક છે. બીજી ભૂમિકા છે વિચારો, કલ્પનાના ક્ષેત્રની, એને અંતરિક્ષલોક કહે છે. ત્રીજી ભૂમિકા છે સ્વઃ લોકની જે આપણી આત્મચેતનાના પ્રકાશથી પ્રકાશિત છે. એ આપણો અંતરાત્મા છે, આપણું આત્મતત્વ છે. ગાયત્રીમંત્ર તો ૨૪ અક્ષરોનો જ છે, પરંતુ એ ત્રણે ભૂમિકા પર કામ કરે છે એ દર્શાવવા માટે ગાયત્રીને વ્યાહ્રતિ સાથે જોડવામાં આવે છે.

ૐ પ્રણવ છે, અનાહત નાદ છે, તત્વ ઝંકાર છે. બ્રહ્માંડમાં જે એક અવ્યક્ત, અશ્રુત ધ્વનિ સકળ અણુ-પરમાણુમાં અવિરત, અનાયાસ, સ્વયંભૂ વિહરી રહ્યો છે તે જ ૐ છે. પ્રથમ તો ગાયત્રીમાં ૐનો ઉચ્ચાર કરીએ છીએ અને એ દ્વારા પરબ્રહ્મની શક્તિનું અનુસંધાન કરીએ છીએ.

ગાયત્રીમંત્રમાં પહેલાં વ્યાહ્રતિનો ઉચ્ચાર કરીએ છીએ. વ્યાહ્રતિ એટલે શું ? આપણે જ્યારે આ મંત્રનો ઉચ્ચાર કરીએ, રટણ કરીએ, ચિંતન, મનન કરીએ ત્યારે આપણે ત્રણે ભૂમિકાનો સંબંધ ધ્યાનમાં લાવીએ છીએ. એથી આપણી ઈન્દ્રિયો એકાગ્ર બને, વાણી એકાગ્ર બને, પ્રાણતત્વ એકાગ્ર બને. માત્ર જીભથી બોલી જઈએ એ કામ ન આવે, માત્ર વિચારની અંદર એનું આવર્તન કરો તે ન ચાલે. પણ એનું ઊંડું ચિંતન કરીએ તો જ તેનો પ્રકાશ વાણી, વિચાર, વર્તન પર પથરાય. આમ જાગૃતિપૂર્વક માત્ર વાણીથી નહીં, માત્ર વિચારથી નહીં પણ ત્રણે દ્વારા એકાગ્રપણે ગાયત્રીનો ઉચ્ચાર કરવો જોઈએ.

ગાયત્રીમંત્ર બોલીએ ત્યારે એને તેણેય ભૂમિકા પરથી એકત્ર કરીને, વ્યાહ્રતિ કરીને બોલીએ છીએ. સાથે સાથે એમાં ચાર વસ્તુ હોવી જોઈએ એમ શાસ્ત્ર કહે છે – ઉચ્ચારશુદ્ધિ, ભાવશુદ્ધિ, અર્થબોધ અને તાલબદ્ધતા.

ઉચ્ચારશુદ્ધિ : એ ગાયત્રીનો ઉચ્ચાર કરીએ ત્યારે એના જે વર્ણો છે, શબ્દો છે એનો બરાબર શુદ્ધ ઉચ્ચાર કરવો જોઈએ.

ભાવશુદ્ધિ : ભાવની એકાગ્રતા, નિર્મળતા, તન્મયતા જોઈએ.

અર્થબોધ : ગાયત્રી દ્વારા આપણે કોની પ્રાર્થના કરીએ છીએ, કોની ઉપાસના કરીએ છીએ, ચિત્તને ક્યા આકાશની પાંખો આપીએ છીએ એનો બોધ થવો જોઈએ.

તાલ બહુ ઝડપથી નહીં, બહુ મંદગતિ નહીં પણ લયમાં બોલાવો જોઈએ. આ મંત્ર જ્યારે તાલમાં, ભાવથી, પ્રાણથી, મનથી, વાણીથી શુદ્ધ ઉચ્ચારથી બોલાય છે ત્યારે એનું અંતઃ સામાર્થ્ય પ્રગટ થવા માંડે છે.

ગાયત્રીનાં ધ્વનિ આંદોલનો અને એના અર્થના પ્રકાશમાં આપણા ચિત્તે પ્રવેશ કર્યો કે નહીં તે પણ જોવું જોઈએ. ગાયત્રીના અર્થમાં આપણો આંતરપ્રવેશ થાય, મર્મભેદી પ્રવેશ થાય એ આપણી આખી યાત્રા છે. એટલે પહેલાં હું સામાન્ય અર્થમાં કહું છું.

તત્‍સવિતુર્‍ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
ધીયો યો નઃ પ્રચોદયાત્ ।

તત્‍ (તે પરમાત્મા) સવિતુઃ (સર્વના સર્જકના) દેવસ્ય (દેવના) વરેણ્યં (વરણ કરવા યોગ્ય, શ્રેષ્ઠ) ભર્ગ (પ્રકાશ, શુદ્ધ ચૈતન્યનું) ધીમહિ (ધ્યાન કરીએ છીએ) યઃ (તે પરમાત્મા) નઃ (અમારી) ધિયઃ (બુદ્ધિ-મેધા-પ્રજ્ઞાને) પ્રચોદયાત્‍ (પ્રેરો)

સર્વના સર્જક તે પરમાત્માના વરણ કરવા યોગ્ય, શ્રેષ્ઠ પ્રકાશ – શુદ્ધ ચૈતન્યનું અમે ધ્યાન કરીએ છીએ. તે (પરમાત્મા) અમારી બુદ્ધિ-મેધા-પ્રજ્ઞાને પ્રેરો. આ એનો સામાન્ય અર્થ છે.
ગાયત્રી એ રીતે શ્રેષ્ઠ મંત્ર છે. એમાં કશી જ માગણી નથી, ધનની, માનની, કોઈ પ્રાપ્તિની, કોઈ માગણી નથી. એમાં તો પોતાની બુદ્ધિને પરમ તેજસ્વી કરવાની, પરમ પ્રકાશમય કરવાની પ્રાર્થના છે. અને અમને પ્રેરો – પુરુષાર્થ તો આપણે કરવાનો છે, પ્રેરણા એ કરશે.

અહીં સવિતા એટલે માત્ર પાર્થિવ ગોળો નથી પણ તેની પાછળ દિવ્ય તત્વ રહેલું છે. જગતનું સર્જન કરનાર સર્જનાત્મક શક્તિ છે તે સવિતુ છે. મનુષ્યપ્રાણ એને પ્રાર્થી રહ્યો છે કે અમારી બુદ્ધિને પ્રેરી, જીવનમાં સૌથી શ્રેષ્ઠ ઈચ્છવા યોગ્ય શું છે ? કોઈ સ્થિતિ ? કોઈ સત્તા છે ? ધન છે ? ના, જ્ઞાન છે. આ જ્ઞાનની યાત્રા પાર્થિવ ભૂમિકાથી માંડીને, સૂક્ષ્મ મનોમયથી માંડીને, વિજ્ઞાનમયથી માંડીને અંતરાત્માના પ્રકાશ ભણીની યાત્રા છે. આ સંશોધનની યાત્રા છે, શોધ યાત્રા છે. શુદ્ધિની પણ યાત્રા છે, શોધ અને શુદ્ધિ, બોધ અને બુદ્ધિ એ વિરોધી નથી. બુદ્ધિ અને બોધ સાથે મળે છે, શુદ્ધિ અને શોધ પણ સાથે છે, એ આજના વૈજ્ઞાનિકોએ સમજવું પડશે. તેનો સમન્વય કરીને વાણી, વર્તન અને વિચાર ત્રણેય એકરૂપ થાય ત્યારે ગાયત્રીમંત્રમાં પ્રવેશ થાય, ગાયત્રીનું સિંહદ્વાર ઊઘડે, સૂર્યદ્વાર ઊઘડે.

ગાયત્રીમંત્રનું આપણે ચિંતન કરીએ છીએ, માત્ર ઉચ્ચારણ અને શ્રવણ ન ચાલે. ચિંતનની પાછળ શ્રવંણ, મનન અને નિદિધ્યાસન – એ ત્રણેય થવું જોઈએ. શ્રવણ કરવું એના પર મનન ચાલે, એના પર ચિંતન ચાલે. નિદિધ્યાસન એટલે એમાં ક્યાંય સુધી ચિંતન ચાલ્યા જ કરે. સાતત્યપૂર્વક, અંતરક્રિયાથી, બહારના ધક્કાથી નહીં, અંતરસ્ફુરણાથી મન રમમાણ રહે, એમાં રંગાયા કરે. પોતાના ભણીનો સ્વ પ્રવાહ એને નિદિધ્યાસન કહે છે. એ જ રટણ, એમાં જ આપણું મન સદાય ગૂંથાયા કરે. એનું મર્મભેદીપણું પ્રગટ કરવા મથે.

ધી-શક્તિ એટલે બુદ્ધિશક્તિ. આપણામાં ઘણી શક્તિઓ હોય છે. એમાં ભાવની શક્તિ છે, પ્રાણની શક્તિ છે પણ ધી-શક્તિ એ મનુષ્યની વિશેષ શક્તિ છે. મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી થયો છે એની બુદ્ધિ બીજાં પ્રાણીઓ કરતાં વધુ ખીલેલી છે. ધીના ત્રણ પ્રકાર છે. એ ત્રણેય ભૂમિકા પર કામ કરે છે. ગાયત્રી ત્રિપદા કહી – તેનાં ત્રણ પદ કહ્યાં. ત્રણ રૂપની વાત કરી, ત્રણ અવસ્થાની વાત કરી – સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રતિ – ભૂત, ભવિષ્ય, વર્તમાન – સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એમ ત્રણે સૃષ્ટિને અનુસંધાન કરતું એક જ તત્વ. આપણે ખંડિત છીએને ? જાગ્રતિમાં માનવ છે એ સ્વપ્નમાં નથી – સ્વપ્નમાં છે એ સુષુપ્તિમાં નથી. ભૂતકાળ જોઈએ છીએ ત્યારે વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ નથી. એ ત્રણેને સાંકળે, સંબંધ કરે, સેતુ કરે એ ગાયત્રી મંત્રની સંયોજના છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એક બની જાય છે, એમ આપણું કર્તાપણું, ભર્તાપણું અને હર્તાપણું એ ત્રણેય એક બની જાય ત્યારે પરમનો પ્રકાશ આપણા ચૈતન્યમાં પ્રતિબિંબિત થાય છે. આ ગાયત્રીનું આંતરરહસ્ય છે, આંતરદર્શન છે. એ આપણે પ્રાપ્ત કરવાનું છે.

ધી-શક્તિના પણ ત્રણ પ્રકાર છે. બુદ્ધિ જ્યારે શરીર સાથે જોડાયેલી હોય, મન સાથે હોય, પોતાની ક્ષુધા સાથે, તૃષા સાથે હોય ત્યારે એ પોતે સમતોલપણે વિચારી શકતી નથી, એકત્રિત થતી નથી. એક બાજુ રહી જાય છે, પક્ષીય બની જાય છે. એટલે બુદ્ધિ ધી-શક્તિ જ્યારે એકત્રિત થાય, જ્યારે સંવાદિત થાય ત્યારે એને મેધા કહે છે. એ ધી-શક્તિ, મારી પાર્થિવ ભૂમિકાની મંત્રશક્તિ જ્યારે ઊંચે ચડે છે, એકાગ્ર બને છે, સંવાદી બને છે ત્યારે મેધા બને છે. મેધાશક્તિ જ્યારે આગળ વધે છે ત્યારે પ્રજ્ઞા બને છે. પ્રકૃષ્ટ જ્ઞાનમ્‍ – શ્રેષ્ઠ જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય છે, જ્યારે મારી વિચ્છિન્ન લાગણીઓ, ભાવ એકત્રિત થાય છે, એકાગ્ર બને છે, પરિશુદ્ધ બને છે. આ પ્રાર્થના દ્વારા એની પ્રેરણા માગી છે. તમે અમને પ્રેરો. તમારી ધી-શક્તિ વરેણ્ય ભર્ગમાં – સૌથી શ્રેષ્ઠ પ્રકાશની અંદર એકત્રિત થાય – અમને પ્રેરો, અમને પ્રેરણા આપો.

આ જે ગાયત્રીમંત્રની ઉપાસના થાય છે એ મંત્ર તો જાણે સૂર્ય ઉપાસના છે પણ એ કોઈ સૂર્યોદય થાય ત્યારે પ્રકાશને પ્રાર્થના કરીએ એ નથી. આ સૂર્ય તે પ્રાણ છે. ‘પ્રાણોવે સૂર્યઃ’ આ મનુષ્યમાં પ્રાણ છે. જેમ સૂર્ય ગગનમાં પ્રકાશે છે તેમ આપણી ચેતનામાં જ્ઞાનસૂર્ય પ્રકાશી રહ્યો છે, પણ વાદળાં આડાં આવી ગયાં છે. તે અંધકારની રાત્રિમાં છે, એને પ્રગટ કરવાનો છે. આ પ્રાર્થના એ પ્રાગટ્ય માટેની પ્રાર્થના છે – ધી-શક્તિના, મેધાશક્તિના, પ્રજ્ઞાશક્તિના.

તો ગાયત્રીમાં જ્યારે ત્રણેય એકાકાર બને છે, એકાગ્ર બને છે ત્યારે શું ઘટના બને છે ? ત્યારે જે પ્રકાશ પડે છે એમાં બુદ્ધિ અને બોધ બન્ને આનંદિત થઈને મળે છે. જ્ઞાનેશ્વરનો એક સરસ પ્રસંગ છે. આ સૂર્યોદયની વાત કરી છે તે ગાયત્રીના ઉદયની વાત છે. એ કહે છે કે અજ્ઞાનની ગાઢ રાત્રિમાં વિરહ નદીને કિનારે બુદ્ધિ અને બોધરૂપી ચક્રવાક (ચક્રવાક તો સૂર્યનું પક્ષી છે ને તે રાત્રિમાં ન હોય) વિખૂટું પડી ગયું છે અને કલ્પાંત કરે છે. જ્યારે જ્ઞાનનો સૂર્ય ઉદય પામે છે ત્યારે બુદ્ધિ અને બોધ બન્ને મળે છે. સંમિલન આનંદપૂર્ણ બને છે. મનુષ્યના મનમાં સંઘર્ષ થાય છે, કારણ કે પોતાનું જ ઘર વિખરાયેલું છે. એને એકાગ્ર કરવું, ચેતનાને સંમિલિત કરવી, પરિશુદ્ધ કરવી અને એના દ્વારા જે પ્રકાશ થાય એ ઝીલીએ ત્યારે આપણે ઉન્નત બનીએ છીએ. પણ એના માટે આપણી નિમ્ન પ્રકારની વૃત્તિઓ, આપણો ક્ષુદ્ર અહંકાર વિલીન થવો જોઈએ. મારા નાના ઘરની સાંકડી દીવાલમાંથી હું ન નીકળું તો આકાશને કેમ પામું ? મારા અંતરમાં જો દીવાલો ન તૂટે તો આકાશના સૂર્યને કેમ પ્રગટ કરું ?

આ પ્રાર્થના છે દીવાલો ભેદવાની, અંતરાકાશનો સૂર્ય પ્રગટ કરવાની. એ ક્યારે પ્રગટ થાય છે ? જ્યારે મારા ત્રણેય પદ ચતુર્પદમાં સમાય જાય. ત્રણેય એક બને ત્યારે સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રતિ – ભૂત, ભવિષ્ય, વર્તમાન – સ્થૂળ, સૂક્ષ્મ, કારણ – વચ્ચે જે દીવાલો છે, મૂર્છા છે, એ મૂર્છા ચાલી જાય તો ? મોહનિદ્રા ચાલી જાય તો ? તે ગાયત્રી આપણામાં જાગૃતિ લાવે છે. આ મહાન મંત્રનો અર્થ આપણે સમજ્યા. પણ અર્થ સમજીએ છીએ તેથી અર્થ સરતો નથી. જ્યારે એ મારા પ્રાણમાં પ્રગટ થાય, મારા મનમાં પ્રગટ થાય, મારી વાણીમાં પ્રગટ થાય ત્યારે એનો પ્રકાશ પ્રગટ થાય. વાણી, વર્તન, વિચારનો વિચ્છેદ છે ત્યાં સુધી આ સૂર્યરૂપી ગાયત્રી પ્રગટ થતી નથી, કારણ કે ત્રણેયમાં ભેદ છે ને ? ગાયત્રી પ્રાણને એકત્રિત કરે છે અને તારે છે.

આ મંત્રનો બાહ્ય પ્રવાહ, વૈખરી વાણીનો પ્રવાહ, ગંગોત્રીની ધારા જેવો ધોધમાર છે. એનું જ્યારે સતત રટણ કરીએ ત્યારે એ મધ્યમા વાણી બની જશે. સંતુલિત વાણી બનશે, મનોમય વાણી બનશે. મનોમય શ્વાસ-ઉચ્છ્‍વાસ સાથે રટણ ચાલ્યા કરે પછી એ પ્રાણમય વાણી બને. આ અંતરયાત્રાની ભૂમિકા પર એક પછી એક પડળ ભેદતાં ભેદતાં આપણા પાતાળઝરાને, આપણા ચૈતન્યના શુદ્ધમય સ્વરૂપને પામીએ છીએ. આપણું શરીર-મન (body-mind)નું જગત છે એ તો જેલખાનું છે. એ કારાગારમાંથી મુક્ત થવા માટે એક પછી એક પડળ ભેદીને, વાદળનાં દળ ભેદીને જે કોઈ જાય છે ત્યારે સૂર્ય તેની વાટ જ જોતો હોય છે. અંતરાય તો માણસે ઊભા કરેલા છે. દીવાલ પડી ગઈ તો સામે પ્રભાત ઊગ્યું જ છે. ગાયત્રીમંત્ર જે પ્રાણને તારે છે તે પ્રાણ કેવો છે ? શારીરિક ભૂમિકાના પ્રાણને મલિન પ્રાણ કહેવાય છે, જે જડ છે. આ આણ્વિક મળ કહેવાય છે. મનોમય પ્રાણને વિચ્છિન્ન કહ્યો છે, એ ચંચળ છે, તેને વિક્ષિપ્ત કહે છે અને ત્રીજી ભૂમિકાને આવરણ કહે છે. આ ત્રણ ભૂમિકામાં પ્રાણ દટાયો છે.

ગાયત્રીનું પ્રથમ ચરણ છે – તત સુવિતુર્‍ વરેણ્યમ્‍ – એ પહેલા મળને ભેદે છે, કારણ કે ઉચ્ચતાની ઝંખના નથી કરી શકતી ને ? મલિન સૌથી શ્રેષ્ઠ કેવી રીતે ઝંખે ? એ તો સત્તાને ઝંખે, એ તો માનને ઝંખે. એ કાંઈ પ્રકાશને ન ઝંખે, જ્ઞાનને ન ઝંખે. એટલે પહેલું પદ છે એ આણ્વિક મળને દૂર કરે છે. તત્‍ સવિતુર્‍ વરેણ્યમ્‍ – નિર્મળ, શ્રેષ્ઠ. પહેલા ચરણમાં ગાયત્રીનો પ્રવેશ થતાં જ આપણા જાગૃત જીવનનો વ્યવહાર મૂળમાંથી પલટી જાય છે. એ ગાયત્રીથી પ્રેરિત થાય છે. એ મારા સ્વાર્થથી ડોલાયમાન થતો નથી. સ્વાર્થનો વંટોળ એને લઈ જતો નથી. એને પરમાત્માનો પ્રકાશ પ્રેરે છે. વંટોળથી પર, વાવાઝોડાથી પર. પ્રથમ ચરણ ‘વરેણ્યમ્‍’ – એ વરેણ્યમ્‍ પ્રાપ્ત કરવા માટે તો મારે પોતે મારો અહંકાર, મારો સ્વાર્થ, મારા બીજા ઈરાદાઓને દૂર કરવા પડે છે. વરેણ્યમ્‍ એટલે શ્રેષ્ઠ, વરવા યોગ્ય. પણ વરેણ્યમ્‍ પ્રાપ્ત કેવી રીતે થાય છે ? આ પ્રકાશ સૂર્યનો છે. સૂર્યની જ્વાળા જે નિર્મળતા આપે છે તેને સહન કરવી પડે છે. જ્વાળા વગર આપણી આંતરિક જ્યોતિ કેમ પ્રાપ્ત થશે ? એટલે બંગાળી બાઉલ કહે છે કેઃ

ગુરુ આમાર વરણમાલા – ગુરુ અમારી વરણમાલા છે.

ગુરુ આમાર મરણ જ્વાળા – ગુરુ અમારા મરણની જ્વાળા છે. આ મરણ જ્વાળા અહંકારનો નાશ કરે છે.

આણ્વિક મળ ગયો એટલે શારીરિક ભૂમિકાનું આવરણ દૂર થયું. તત્‍ સવિતુર્‍ વરેણ્યમ્‍ પછી ભર્ગોનો પ્રવેશ થાય છે. શ્રેષ્ઠ પદ જ બીજું કાંઈ નહીં. મારું જ્ઞાન, મારી શોધ, મારું સત્ય, પરમ સત્ય, નિર્મમ-નિષ્ઠુર પણ સત્ય, સત્યનો સૂર્ય – બીજું કશું જ નહીં, કોઈ સમાધાન નહીં, કોઈ નીચેની ભૂમિકાઓ સાથેનો સંતોષ નહીં. વરેણ્યમ્‍ ભલે મરણજ્વાળા હોય પણ એ વરણમાલા છે. જ્યારે શારીરિક ભૂમિ પરથી પ્રાણ ઊંચે ઊડે છે ચિદાકાશમાં, અંતરાકાશમાં ત્યારે બીજું ચરણ આવે છે અંતરિક્ષનું. આ ભૌમ પ્રાણ શારીરિક અવસ્થામાંથી હવે મનોભૂમિકાની અવસ્થામાં પ્રવેશ કરે છે. અંતરમાં એ સ્વપ્ન અવસ્થાનું, મનોમય ભૂમિકાનું બીજું ચરણ છે. ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’ – એ પ્રકાશ જે દેવત્વનો પ્રકાશ છે. પાષાણથી પરમાત્મા સુધીનું એક પ્રાણતત્વ – વિચરતી ચૈતન્ય ભૂમિકા છે. એનો પ્રકાશ મને બીજી ભૂમિકાએ ચિત્તમાં થાય છે. શરીરની ભૂખ-તરસથી, શરીર-મનના આપણા પોતાના આવેગોથી આપણે મુક્ત થયા, મળ દૂર થઈ ગયો અને નિર્મળ થયા તો ચિત્ત એટલું મુક્ત થયું. ચિત્ત મુક્ત થયું તો ચૈતન્ય સાથે તાર સંધાયો. તાર સંધાયો તો એનું ભર્ગ, પ્રેરણા, એનો પ્રકાશ, આંતરિક દ્રષ્ટિ પ્રાપ્ત થયાં. બહિર્દ્રષ્ટિ ગઈ, અંતરદ્રષ્ટિ બીજા ચરણમાં આવે છે. ભર્ગો દેવસ્ય – દેવ તત્વ છે, પ્રકાશિત છે એનું ચિંતન કરું છું. સદા એનું ચિંતન ચાલે વિક્ષિપ્ત થયા વગર. વિક્ષેપ ચાલ્યો ગયો. વિક્ષેપ ચાલ્યો ગયો તો ચિત્ત એકાગ્ર થયું, નિરુદ્ધ થયું, એમાં તન્મય થયું. બાણ જેમ લક્ષ્યમાં એકાકાર થઈ જાય છે એમ એકાકાર થઈ ગયું.

મળ ગયો પ્રથમ ચરણમાં. બીજા ચરણમાં વિક્ષેપ ગયો. ત્રીજા ચરણમાં આવરણ ગયું. નિરાવરણ દ્રષ્ટિ – શુદ્ધ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો ‘ધીયોયોનઃ પ્રચોદયાત.’ એ ધી – એ શક્તિ, પરમ શક્તિ, પરમ તેજસ્વી, જ્ઞાનમયી, આનંદમયી, સચ્ચિદાનંદમયી શક્તિ અમારી બુદ્ધિને, અમારી મેધાને, અમારી પ્રજ્ઞાને પ્રેરો. એ પોતે પોતાના શુદ્ધ ઉજ્જવળ સ્વરૂપમાં પ્રેરણા આપે, પ્રગટ થાય. આ ગાયત્રીમંત્રનો અત્યંત ટૂંકમાં સારગર્ભ કહ્યો. એને જેટલું સમજશું એટલો આનંદ આવશે કે આ તો મણિ છે, અમૂલ્ય વસ્તુ છે, આ તો પ્રાપ્ત કરવા જેવી છે. પણ એની પ્રાપ્તિ તો એનામય થશું ત્યારે જ થશે ને ?

ગાયત્રી અને સાવિત્રી એ બે સંબંધિત છે. સાવિત્રી એ સૂર્ય છે, પરમ પરમાત્મા છે. ગાયત્રી એ મનુષ્ય પ્રાણ છે. મનુષ્ય પ્રાણને એક એક ભૂમિકાએ આરોહણ કરતાં જવું પડશે ને ? એકી સાથે સૂર્યમાં જઈએ તો આપણે બળી મરીએ પણ એની જે સૂર્યમયતા આપણામાં પ્રગટ થતી આવે, એની સાથે એકાકાર થઈએ તો દ્વૈત રહે નહીં. તો કોણ બળે ? ઉજ્જવળતા પ્રાપ્ત થાય. એનામય થતા જઈએ તો ત્રીજા ચરણની અંદર – મને પ્રેરો ધી-શક્તિને. એ પ્રેરો, જે પ્રેરણા છે એ જ્યારે ધીમે ધીમે પ્રગટ થતી આવશે ત્યારે ગાયત્રીમંત્રનું રહસ્ય પણ પ્રગટ થવા માંડશે. અર્થબોધ પ્રગટ થવા માંડશે અને એ મૂળ મંત્ર દ્વારા આખા જીવનના સમગ્ર વૃક્ષમાં એ રસ સિંચિત કરશે. આ મૂળ છે એ જીવનથી જુદું પડવા માટે નહીં, જીવનને સમજવા માટે છે.
પ્રથમ ચરણમાં શુદ્ધ અસ્તિત્વ છે. બીજા ચરણમાં શુદ્ધ જ્ઞાન છે. ત્રીજા ચરણમાં શુદ્ધ આનંદ છે. એટલે એની જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે જીવનની પૂર્ણતા અનુભવાય છે.

– મકરન્દ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો