મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

છેલ્લો પ્રહાર છે -કીર્તિકાન્ત પુરોહિત

છેલ્લો પ્રહાર છે

ભીતરે છે જગત, વિશ્વ બ્હાર છે,
દશ્ય બંને છતાં ભિન્ન સાર છે.

સંયમિત ક્યાંક ઈર્ષ્યાનો ભાવ છે,
કોઈ કારણ વગર ક્યાંક પ્યાર છે.

ચાંદને તારલા ફોજમાં છતાં,
રાત સામે વિજેતા સવાર છે.

છે મથાળે શિખર, તોય ના ચળે,
એની બે બાજુએ ચડ-ઉતાર છે.

દોકડામાં મળે મણના પથ્થરો,
કિંમતી રત્નને તલનો ભાર છે.

‘કીર્તિ’, આખર મળે જે વિદાયમાં,
ફૂલનો હાર, છેલ્લો પ્રહાર છે.

-કીર્તિકાન્ત પુરોહિત
........................................................
 
વાંચતાં સાચ્ચે આવડે તો
બે શબદ વચ્ચે એ જડે, તો.

એ જગાને ખાલી જ રાખો
પીઠ કાગળની ઊઘડે, તો.

સત્યને શોધી દઇ કથામાં
તું ઉથાપન તારું ઘડે તો?

‘હું’ અને ‘તું’ ને ‘તે’ રહે નહિ
‘આપણે’ ત્યાં આવી ચડે તો

બ્લડપ્રેશર ઉંચું જવાનું
બે ઉસૂલો હરદમ લડે તો !

આજ મોજે માણી શકું છું
કાલ શાને વચ્ચે નડે તો !

કેમ સારું લાગ્યું હતું દિલ?
બાજુનું ઘર તૂટી પડે તો!

આ હવાનો ના કર ભરોસો
‘કીર્તિ’ છે જગને સૂપડે તો.

- કીર્તિકાન્ત પુરોહિત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો