મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

– અશોક જાની ‘આનંદ’

જરા શી વાતમાં અભિવ્યક્ત તું થઇ જાય છે ઓ જિંદગી,
હરેક શ્વાસોના કણ કણમાં સતત વર્તાય છે ઓ જિંદગી.

જીવનભર હાથમાં લઇ હાથ જે ચાલ્યા જઇ એને પુછો
મજાનાં મખમલી સ્પર્શે સદા લહેરાય છે ઓ જિંદગી.

મને છે એ સ્મરણ જે રાતભર અંધાર ટપક્યો’તો સતત,
છતાં અજવાસની આશા અહીં છલકાય છે ઓ જિંદગી.

ભલે લાગે હવે આ અંત આવી પહોંચ્યો દુનિયાનો છતાં
ફરીથી રાખમાંથી તું વળી સર્જાય છે ઓ જિંદગી.

નર્યો સુનકાર જ્યાં ફેલાય છે ચારે દિશે અવસાદનો,
થઇ ‘આનંદ’ હર ક્ષણ હર જગા પડઘાય છે ઓ જિંદગી.

– અશોક જાની ‘આનંદ’

ગઝલ કયાંથી આવે ને લઇ ક્યાંક જાવે,
એ ખુશ થઇ જશે જે ગઝલથી નહાવે.

ગઝલ સહેજ તૃપ્તિનો ઓડકાર ખાવે,
ગઝલ આરતીનો એ દીપક જલાવે.

ગઝલ ક્યાંક તૃષાનો તડકો બને તો,
ગઝલ પ્રેમની એક ગંગા વહાવે.

ગઝલ રેત, રણ ને ઢૂવા, ઝાંઝવા ને,
ગઝલ ઘાસ પર જાણે ઝાકળ બિછાવે.

ગઝલ હર ઋતુને કરે આહ્લાદક,
ગઝલ આંગણે હેમ પુષ્પો સજાવે.

ગઝલ થઇને આક્રોશ ઉકળી ઉઠે તો,
ગઝલ થઇને ‘આનંદ’ ગીતો સુણાવે.

મજાની ગઝલ છે ગઝલની મજા છે,
ગઝલ એટલે મનમાં ‘આનંદ’ લાવે.

- અશોક જાની ‘આનંદ’
..............................................................

જેવું કંઇ નથી

આમ જુઓ મનમાં આ ઉત્પાત જેવું કંઇ નથી,
મન ના માને તોય એમાં વાત જેવું કંઇ નથી.
ચોતરફ છે ગાઢ ને ચિક્કાર અંધારું છતાં,
દિલ કહે છે તોય અહીંયા રાત જેવું કંઇ નથી.
કોઇ દિ’ માથે ચઢે ને કોઇ દિ’ પગમાં નડે,
લાગણીમાં જાત કે કમજાત જેવું કંઇ નથી.
આપણે કરીએ ભલે સમજી ગયાનો ડોળ પણ,
ખુદને જો સમજી શકો, સૌગાત જેવું કંઇ નથી
ઢોલિયે ઢાળ્યું ભલે શીમળાના રૂનું ગાદલું,
ઘાસ પર ખરતાં એ પારિજાત જેવું કંઇ નથી.
પ્રેમથી ‘આનંદ’ જો કરતાં રહો આખું જીવન,
તો પછી અવસાદની ઔકાત જેવું કંઇ નથી.
- અશોક જાની ‘આનંદ’ 
.....................................................................................
 
અજવાળાં
શબદ પ્રગટાવીને ભીતર કરી લો સહેજ અજવાળાં
પછીતે સૂર્ય પણ આવી જશે ખોલી બધાં તાળાં.
જરા સૂરમાં તમે વ્હેતું મૂકો એક ગીત મનગમતું,
પછી છલકાઈ જાશે ટહુકાથી સહુ પંખીના માળા..!
લઈને હાથમાં દર્પણ તું તારી જાતને જોજે,
તરત અદ્રશ્ય પડછાયા થશે એ ભ્રમભર્યા કાળા.
કરી યાહોમ દરિયે ખાબકું તો શું ગુમાવીશ હું.. ?
કદી મળશે મને મોતી, કદી રંગીન પરવાળાં.
અગર ‘’આનંદ’ જો સામે મળે તેને વધાવી લો,
પીડાની બાદબાકી ને થશે બસ સુખના સરવાળા.
- અશોક જાની 'આનંદ'
.......................................................................................

તું જ છે.
પૂરતાં પ્રશ્નો જવાબો જૂજ છે
એક્થી ઉગરું બીજું ઊભું જ છે.
ક્યાં જઇ કહેવી વ્યથાની આ કથા
તું જ દે તોફાન તારે તું જ છે.
હાથમાં દીવો લઇને ચાલ, પણ
એક ફુંકને માત્ર અંધારું જ છે.
હું દિવાસ્વપ્નો ઘણા જોઉં છતાં
ભાગ્ય મારું કાયમી ભળતું જ છે.
લક્ષ પાછળ ચાલીને થાક્યાં હવે
આ વિસામેથી હવે વળવું જ છે.
માત્ર મનને મજબૂતી દેવી પડે
દુ:ખને સુખ સમ માનવું સહેલું જ છે.
મિત્રતા 'આનંદ' સાથે રાખ તું
તો પછી સુખ-દુ:ખ બધું સરખું જ છે.
- અશોક જાની 'આનંદ'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો