શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

પ્રેમના નાટક- ‘ધુફારી’


પ્રેમના નાટક કદી કરતો નથી;

યા અભિનય પણ કદી કરતો નથી

પ્રેમ મનનો વહેમ છે લોકો કહે;

વાત કાનો પર કદી ધરતો નથી

પ્રેમમાં પાગલ બને લોકો ભલે;

હું બની પાગલ કદી ફરતો નથી

હાથ મુકી દિલ પરે લોકો ભરે;

આહ એવી હું કદી ભરતો નથી

ઝેર કેરા પારખા હોતા નથી;

પારખા એવા કદી કરતો નથી

પ્રેમ કરવા કો’ સખી તો જોઇએ;

હોય તો કહેતા કદી ડરતો નથી

છુ અવિચળ તો ‘ધુફારી’ સ્થાન પર;

એટલે ત્યાંથી કદી ખરતો નથી

....................................................................

જરા જોજે કદી

આંખની ખોલી અટારીને જરા જોજે કદી;

મન તણી ખોલી પટારીને જરા જોજે કદી

શું છે સારૂં શું નઠારૂં એ સમજવા માટે જરા;

ધ્યાનથી ખુબ જ વિચારીને જરા જોજે કદી

કલ્પનાની પાંખ પહેરી ઉડતા જાતા બધા;

એ વિચારોની સવારીને જરા જોજે કદી

સાજ કેરા સ્પંદનો ફેલાય જ્યારે ચોતરફ;

ધડકનો તેથી વધારીને જરા જોજે કદી

શું લખ્યું કાગળ પરે વંચાવવું કોને જઇ;

હાથ લાગ્યું શું ‘ધુફારી’ને જરા જોજે કદી

........................................................................

ધુપ છાંવ આવતી રહે ખાળી રહ્યા છીએ,

સુખનો વિચાર પ્રેમથી ટાળી રહ્યા છીએ;

ધુફારીઆમ તો કરવા પણ ચાહે છે ઘણું,

જીન્દગી તણી રાહને અમે વાળી રહ્યા છીએ.  

..................................................................

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો