મંગળવાર, 10 ડિસેમ્બર, 2013

-ડો .રઈશ મનીઆર

દરેક વાતને વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સ્વીકારવાનું,નકારવાનું  ત્યજી દઈને નિહાળતો જા

સમસ્ત દુનિયા છે એક રચના,જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને,મઠારવાનું  ત્યજી દઈને નિહાળતો જા

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું  ત્યજી દઈને નિહાળતો જા

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી,હૃદય છે એક જ,હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસુ સારવાનું  ત્યજી દઈને નિહાળતો જા

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું  ત્યજી દઈને નિહાળતો જા

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું  ત્યજી દઈને નિહાળતો જા

                                  -ડો .રઈશ મનીઆર
..........................................................................................
 પ્રવાહી કાળને સુંક્ષુબ્ધ બનતાં વાર  લાગે છે
અમસ્તી વાતને ક્યાં યુદ્ધ બનતાં વાર લાગે છે

કોઈ વયના વિસામા પર યુવાની હાથ છોડે છે
યુવાની જાય છે પણ વૃદ્ધ બનતાં વાર લાગે છે

લખોટી જેવડી આ ક્ષણ બધી રમવા નિમંત્રે,પણ
ફરી બાળકની માફક મુગ્ધ બનતાં વાર લાગે છે

જઈ વનમાં કોઈ પણ ઝાડ નીચે બેસવું સહેલું
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે

સમય કે સ્થળ,દિશા,અવકાશ,જાત્રા કે સમાધિથી,
કે અશ્રુજળથી જીવન શુદ્ધ બનતાં વાર લાગે છે

કશું પાસે ન હો ઝાઝું,કશાની ખેવના ના હો
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે

                             -ડો .રઈશ મનીઆર
.................................................................
અરણ્ય ,પંથ કે ઠોકર કશું નકામું નથી
રતન કે ધૂળ કે કંકર કશું નકામું નથી

પડાવ ,થાક ,ત્રિભેટો ,ભુલામણી ;નડતર ..
સફરના અંશ છે ,આખર કશું નકામું નથી

એ બેઉ વિશ્વોની લીલાને મનભરી માણો !
અહીં બહાર કે અંદર કશું નકામું નથી

કોઈનું થાય છે ઘડતર ,કોઈ રહે છે પડતર
અહીંના શિલ્પ કે પથ્થર કશું નકામું નથી

ફરક જુઓ ન ગૂંથાવા અને ચુથાવામાં
સ્વીકારો ,પુષ્પ કે અત્તર કશું નકામું નથી

કદીક મન થશે અણનમ સરોને ઝૂકવાનું
આ પથ્થરો અને ઈશ્વર કશું નકામું નથી

ભલેને હમણાં કશું વ્યર્થ લાગતું હો તને
એ ધરશે અર્થ નિરંતર કશું નકામું નથી

              -ડો .રઈશ મનીઆર
..............................................................
માણસો મુશ્કેલ સંબંધો નિભાવી જાય છે
ડંખ દઈ થોડો પગરખાં જેમ ફાવી જાય છે

સુખ તો કેવળ બારણે તોરણ લગાવી જાય છે
દુઃખ પછી અંદરથી આખું ઘર સજાવી જાય છે

એ પ્રસંગોને ગણી ક્ષ્રુલ્લક તું વિસરી ગઈ ભલે ,
મારી તો આખી કથા એમાં જ આવી જાય છે

સાવ એવું પણ નથી કે થઇ ગયા છે એ વિદાય
આંસુ થઈને આંખમાં કયારેક આવી જાય છે

ને ઘણાં સાથે રહી ભીંતો વચાળે છત નીચે
પોતપોતાની જ એકલતા નિભાવી જાય છે

જિંદગીભર નહીં જીવાયેલી ક્ષણોના બોજને
છેવટે તો ચાર જણ કાંધે ઉઠાવી જાય છે

-ડો . રઈશ મનીઆર
..............................................................
જે વ્યથાને અડકે નહીં એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એ ય ના વિચાર્યું કે વારતા અધૂરી છે .

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઈશ્વર
આપણે તો કહી દીધું દિવ્યતા અધૂરી છે

સૌનું એ જ રડવું છે ,જામ કેમ અડધો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તો ય એક મજલિસ છે
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેર ઠેર ડૂસકાં છે ,ઠેર ઠેર ડૂમા છે
ને "રઈશ" જગતભરની સાંત્વના અધૂરી છે

-ડો .રઈશ મનીઆર
............................................................


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો