મંગળવાર, 8 ઑક્ટોબર, 2013

~ શબ્દ ~

શબ્દ બ્રહ્મ છે, અવિનાશી અક્ષરોનો અર્ક છે,
શબ્દ સાહિત્ય સર્જે છે, ચિત્રો દોરે છે,
શબ્દ સંગીત રચે છે, નર્તન કરે છે,
શબ્દ શિલ્પ ઘડે છે, કલાના હર રુપમાં રમે છે…..

શબ્દ સ્પર્શ છે, હૈયાનો ધબકાર છે,
શબ્દ વિચારોની પાંખ છે, ચિંતનની આંખ છે,
શબ્દ મનનો ઉમંગ છે,અંતરનો તરંગ છે,
શબ્દ અભિવ્યક્તિનું અંગ છે,અનુભૂતિનો રંગ છે…..

શબ્દ આભની ઉંચાઇ છે, સાગરની ગહરાઇ છે,
શબ્દ સૂરજનું તેજ છે, ચંદ્રનું હેત છે,
શબ્દ સૃષ્ટિનો વિહાર છે, વાણીનો વિકાસ છે,
શબ્દ અદભૂત વર્ણન છે, માનવીનું સર્જન છે……

શબ્દ અરમાનોની ઓઢણી છે,આશાઓની આતશબાજી છે,
શબ્દ અહમથી સોહમની યાત્રા છે, ઇશ્વરની આરાધના છે,
શબ્દ હ્રદયનો આસવ છે, પવિત્ર પ્રેમનો પાલવ છે.......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો