શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

બચાવીને

બચાવીને

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.
ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.
પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી ,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.
તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.
બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર ,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .
- ગૌરાંગ ઠાકર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો