પુષ્ઠો

મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ (ધીરે ધીરે.)

ધીરે ધીરે

જળ પર પડે પવનનાં પગલાંઓ ધીરે ધીરે,
ખીલે પછી કમળનાં ચ્હેરાંઓ ધીરે ધીરે.

કેવો હશે મધુર એ સંસ્પર્શનો અનુભવ,
ગુંજે છે તાનમાં સહુ ભમરાઓ ધીરે ધીરે.

સારસ ને હંસ યુગ્મો ચૂમી રહ્યાં પરસ્પર,
તોડીને મૌનના સૌ પરદાંઓ ધીરે ધીરે.

તું જાતને છૂપાવી કુદરતથી ભાગશે ક્યાં ?
એ ચાલશે અકળ સૌ મ્હોરાંઓ ધીરે ધીરે.

વૈભવ વસંતનો છે સંજીવની ખુદાની,
બેઠાં કરે છે સૂતાં મડદાંઓ ધીરે ધીરે.

ઈશ્વરની આ અભિનવ લીલા નિહાળ માનવ,
છોડી દે તારા મનની ભ્રમણાઓ ધીરે ધીરે.

સંભાવના ક્ષિતિજે વરસાદી વાદળોની
‘ચાતક’ વણે છે એથી શમણાંઓ ધીરે ધીરે.

-દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો