બચાવીને
વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.
ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.
પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી ,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.
તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.
બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર ,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .
- ગૌરાંગ ઠાકર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો